રાજુ ખેર સાથેના સંબંધો વિશે અનુપમ ખેર કહે છે કે હું કેવી રીતે ભૂલી શકું કે અમે સાથે મોટા થયા છીએ?
નાના ભાઈ રાજુ ખેર સાથે અનુપમ ખેર
અનુપમ ખેર તેમના નાના ભાઈ રાજુ ખેર સાથે બહુ જ પ્રેમાળ સંબંધો ધરાવે છે. હાલમાં અનુપમે રાજુ ખેર સાથેના સંબંધોની વાત કરીને ખુલાસો કર્યો હતો કે તે ઘણાં વર્ષોથી તેની આર્થિક જવાબદારીઓ સંભાળી રહ્યા છે. આ સ્પષ્ટતા કરીને અનુપમે પત્ની કિરણ ખેરના અભિગમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કિરણે હંમેશાં મને સાથ આપ્યો છે. અનુપમ ખેરનો નાનો ભાઈ રાજુ ખેર પણ ઍક્ટર-ડિરેક્ટર છે અને ફિલ્મો તેમ જ ટેલિવિઝનમાં કામ કરી ચૂક્યો છે.
અનુપમ કહે છે, ‘જો દરેક ભાઈ યાદ રાખે કે તેઓ બાળપણમાં કેવી રીતે સાથે મોટા થયા હતા તો કોઈ ઝઘડો જ ન થાય. હું મારી જિંદગીને એક ફિલ્મની જેમ જોઉં છું. હું કેવી રીતે ભૂલી શકું કે અમે સાથે મોટા થયા છીએ? અમારાં માતા-પિતા પણ એક જ છે. મારા ભાઈએ ક્યારેય મારી સફળતાની ઈર્ષ્યા કરી નથી. તે આ બાબતમાં અદ્ભુત છે. મારાં માતા-પિતા મારા કરતાં વધુ સમય મારા ભાઈ અને તેની પત્ની સાથે રહ્યાં હતાં. મારાં ભાભીએ મારા પિતાની અંતિમ શ્વાસ સુધી ખૂબ સેવા કરી હતી. હું કિરણની પણ પ્રશંસા કરવા ઇચ્છું છું, કારણ કે તેણે ક્યારેય ભાઈને મદદ કરવાના મારા નિર્ણયો સામે સવાલ નથી કર્યો. હું રાજુ માટે, ઘર માટે અને અન્ય ખર્ચ માટે ચેક સાઇન કરતો હતો. મેં ઘણા સમય પહેલાં મારા મૅનેજરને કહી દીધું હતું કે જીવનમાં એક વાત યાદ રાખજે અને મને ક્યારેય પૂછતો નહીં કે હું મારા ભાઈને કેટલા પૈસા આપું છું.’
