° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


મોતના મોંમાંથી પાછો આવેલો અનુરાગ બાસુ

27 December, 2020 04:39 PM IST | Mumbai | Mayank Shekhar

મોતના મોંમાંથી પાછો આવેલો અનુરાગ બાસુ

અનુરાગ બાસુ (તસવીર સૌજન્ય જાગરણ)

અનુરાગ બાસુ (તસવીર સૌજન્ય જાગરણ)

ટીવીના ડિરેક્શનમાં ગ્રૅજ્યુએટ થયા બાદ ફિલ્મ ડેબ્યુ કરવા માટે મુકેશ ભટ્ટે ૨૦૦૦ના દાયકામાં અનુરાગ બાસુને કહ્યું હતું કે તે કેટલો ચાર્જ કરશે. જરૂર હોય એટલા જ પૈસાનો ખર્ચ કરવા માટે બૉલીવુડમાં મહેશ ભટ્ટ જાણીતા છે અને તેમણે સાત લાખ રૂપિયાની ઑફર તેને આપી હતી. આ રકમ સાંભળીને અનુરાગ આશ્ચર્યમાં પડી ગયો હતો અને તેણે તરત જ હા પાડી દીધી હતી. જોકે મહેશ ભટ્ટે એ રકમને તરત જ બે ફિલ્મની ડીલમાં બદલી કાઢી હતી. બે સેકન્ડમાં આ ડીલ બદલાઈ ગઈ હતી. જોકે અનુરાગ બાસુ નવો હોવાથી તે ફ્રીમાં પણ કામ કરવા તૈયાર હતો અને આજે પણ એ વાતની તેને કોઈ ફરિયાદ નથી.
૨૦૦૩માં જૉન એબ્રાહમ અને તારા શર્માની ‘સાયા’ દ્વારા તેણે ડેબ્યુ કર્યું હતું, જે બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. ૨૦૦૪માં અનુરાગ બાસુએ ‘મર્ડર’ બનાવી હતી જે બૉક્સ-ઑફિસ પર સુપરહિટ રહી હતી, જેણે ૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ માટે અનુરાગ બાસુને બીજી ફિલ્મ ડિરેક્ટ કરવાની ડીલ પેટે ફક્ત ૩.૫ લાખ રૂપિયા મળ્યા હતા. આ સમય દરમ્યાન બૉલીવુડના ટોચના ડિરેક્ટર્સ પણ હૉલીવુડની સ્લેઝી ફિલ્મની ડીવીડી લઈને એને બૉલીવુડમાં બનાવવા માટે અનુરાગ પાસે પહોંચી ગયા હતા. ‘મર્ડર’ પોતે બૉલીવુડની બી-મૂવી જેનરની ફિલ્મ હતી, જે એક ફ્રૅન્ચાઇઝીમાં પરિણમી હતી.
અનુરાગ બાસુએ ત્યાર બાદ ૨૦૦૬માં આવેલી ‘ગૅન્ગસ્ટર’ બનાવી હતી, જે અબુ સાલેમ અને તેની પ્રેમિકા મોનિકા બેદીના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરનાર કંગના રનોટ સ્ટાર બની ગઈ છે. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘આ પાર્ટ માટે ૨૦-૨૫ છોકરીઓનાં ઑડિશન લેવામાં આવ્યાં હતાં. તેનો ચહેરો મારા દિમાગમાં ફિટ થઈ ગયો હતો. તેનામાં કંઈક યુનિક હતું.’ શું તે સફળ થશે એનો તને આભાસ થયો હતો? આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘શરૂઆતમાં તેને દરેક વસ્તુ માટે ગાઇડન્સની જરૂર પડતી હતી. જોકે તે તરત જ બધું શીખી લેતી હતી. ‘ગૅન્ગસ્ટર’ દરમ્યાન જ મેં તેનામાં વિકાસ થતો જોયો હતો.’
કંગના ઑનલાઇન ટ્રોલ કરવા માટે અને તેની પબ્લિક ઇમેજ માટે ખૂબ જ જાણીતી છે. શું તને એનો પણ અહેસાસ થયો હતો. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘ના બિલકુલ નહીં. અમે મોટા ભાગે મળતાં નથી તેમ જ જ્યારે પણ મળીએ છીએ ત્યારે આ પબ્લિકમાં જે કંગના છે તે નથી હોતી, તેને હું નથી જાણતો. મને લાગે છે કે બે કંગના છે. બીજી કંગનાને તો હું ઓળખતો જ નથી.’
૪૬ વર્ષનો અનુરાગ બાસુ ભિલાઈથી મુંબઈ ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન ડિગ્રી માટે આવ્યો હતો. આ સાથે જ તે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ પણ શોધી રહ્યો હતો. આ દરમ્યાન તે સ્ટોરીટેલિંગ અને પર્ફોર્મન્સ આર્ટના સંપર્કમાં આવ્યો હતો, કારણ કે તેના પિતા પણ તેમની હૉબીના કારણે થિયેટર ચલાવતા હતા. તેઓ ઇન્ડિયામાં ઘણી જગ્યાએ નાટકની હરીફાઈમાં ભાગ લેતા હતા. બાવીસ વર્ષની ઉંમરે તે અસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો અને તેને પૉપ્યુલર શો ‘તારા’નું એક દૃશ્ય ડિરેક્ટ કરવામાં આપ્યું હતું. જોકે તેણે એક દાયકા બાદ ટીવીમાંથી એક્ઝિટ લઈ લીધી હતી. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘મારી પહેલી ફિલ્મ કરતાં હું એક મહિનામાં ટીવીને ડિરેક્ટ કરું એમાં મને વધુ પૈસા મળતા હતા.’
વિક્રમાદિત્ય મોટવાણેની ‘AK vs AK’ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં અનુરાગ કશ્યપને લોકો અનુરાગ બાસુ કહીને બોલાવે છે. જોકે રિયલ લાઇફમાં ઊલટું છે. પેજર્સના જમાનામાં અનુરાગ કશ્યપ માટેના મેસેજ ઘણી વાર અનુરાગ બાસુને મળતા હતા. જોકે અનુરાગ કશ્યપ અને અનુરાગ બાસુમાં એક સામય્તા છે કે તેઓ રિયલિટીમાંથી ફિલ્મો બનાવે છે. તેની ૨૦૧૨માં આવેલી ‘બરફી’ રિયલ લાઇફ સ્ટોરી પરથી હતી. પ્રિયંકા ચોપડાનું પાત્ર રઝિયા પરથી બનાવ્યું હતું, જેને તે બાદમાં મળી પણ હતી. રણબીર કપૂરનું પાત્ર મુર્તઝા પરથી બનાવવામાં આવ્યું હતું. ગોરેગામમાં આવેલી એક સ્પેશ્યલ સ્કૂલમાં આ લોકો હતા, જેની એક બ્રાન્ચ અનુરાગની અંધેરીમાં આવેલી ઑફિસની બાજુમાં છે. તેણે આ સ્ક્રિપ્ટ ત્યારે ફાઇનલ કરી હતી જ્યારે તેણે બિહારી ગણિતશાસ્ત્રી આનંદ કુમારની ‘સુપર 30’ની સ્ક્રિપ્ટ પૂરી કરી હતી. આ ફિલ્મમાં હૃતિક રોશને કામ કર્યું હતું અને એને વિકાસ બહલે ડિરેક્ટ કરી હતી. એ જ રીતે ‘જગ્ગા જાસૂસ’નું રણબીર કપૂરનું પાત્ર બોલતી વખતે થોડો હકલાય છે, પરંતુ ગીત ગાતી વખતે એવું નથી થતું. રિયલ લાઇફમાં આ પાત્ર મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ પરથી લેવામાં આવ્યું છે. કૅટરિના કૈફનું પાત્ર અનુરાગ બાસુની પત્ની તાની પરથી લેવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘તે કેલેમિટી જેન જેવી છે. તેણે ચાનો કપ પકડ્યો હશે, પરંતુ પાછી જતી વખતે તેના હાથમાં ફક્ત કપનું હૅન્ડલ જ હશે. ફિલ્મમાં કૅટરિના સાથે જે પણ થાય છે એ મોટા ભાગનું રિયલ લાઇફમાં તાની સાથે થઈ ચૂક્યું છે.’
‘જગ્ગા જાસૂસ’ને લઈને ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના લોકો ગુસ્સે થયા હતા, કારણ કે ફિલ્મને બનાવવામાં ખૂબ જ વાર લાગી હતી. આ ફિલ્મને અંદાજે ચાર વર્ષ લાગ્યાં હતાં. આ વિશે અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘હા, ઘણો સમય લાગ્યો હતો. અમારે એક વર્ષ પહેલાં ફિલ્મ પૂરી કરી લેવી જોઈતી હતી. ફક્ત એક જ વાત નથી, જેને હું કારણ તરીકે જણાવી શકું. રણબીર તેની ચાર ફિલ્મ (બેશરમ, બૉમ્બે વેલવેટ, રૉય અને અય દિલ હૈ મુશ્કિલ)નું શૂટિંગ અને પ્રમોશન કરી રહ્યો હતો. હું તેને વિનંતી કરી શક્યો હોત, પરંતુ પ્રીતમને પણ મ્યુઝિક માટે વધુ સમય જોઈતો હતો. મને નહોતી સમજ પડી રહી કે બૅલૅન્સ ક્યાં કરવું. આ તમામ બાદ ફિલ્મની રિલીઝના પાંચ મહિના પહેલાં અમારે પોસ્ટ-પ્રોડક્શનમાં ખૂબ જ ઉતાવળ કરવી પડી હતી.’
‘જગ્ગા જાસૂસ’માં ગોવિંદાજીની સ્ટોરી હતી અને એને કાઢી નાખવામાં આવી હતી. આ વિશે વાત કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘આ બધા બાદ ગોવિંદાજી અમારી સાથે આવ્યા હતા. શૂટિંગને લઈને ખૂબ જ મોડું થયું હતું એમ છતાં તેઓ સેટ પર આવશે કે નહીં, તેઓ ફ્લાઇટ કૅન્સલ કરી રહ્યા છે કે પછી ફ્લાઇટ લઈ રહ્યા છે અથવા તો તેમણે શૂટિંગ જ કૅન્સલ કરી દીધું છે, આ બધી વાતને લઈને ખૂબ જ કન્ફ્યુઝન રહેતું હતું. આ અનપ્રીડિક્ટેબલ હતું. હું સ્ટ્રેસ લઈ શકું એમ નહોતો એથી મેં તેમની સ્ટોરી પડતી મૂકી હતી.’
જોકે આ સ્ટ્રેસ તેનો પહેલી વાર નહોતો. તેની સૌથી મોટી ફિલ્મ ૨૦૧૦માં આવેલી ‘કાઇટ્સ’ને લઈને પણ હતો. આ ફિલ્મ ઇન્ડિયામાં રિલીઝ થઈ ત્યારે લોકોને સમજ નહોતી પડી રહી કે એ હિન્દી, ઇંગ્લિશ અથવા તો સ્પેનિશ ફિલ્મ તો નથીને. આ વિશે વાત કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘મારી ‘ગૅન્ગસ્ટર’ને લઈ લો. મારે આ ફિલ્મનું શૂટિંગ કોરિયામાં કરવું હતું. મેં મારા પ્રોડ્યુસરને એ વિશે પૂછ્યું હતું કે શું હું ત્યાં કરી શકું. તેમણે કહ્યું કે આ રહ્યા ત્રણ કરોડ રૂપિયા અને એટલામાં આ ફિલ્મ પૂરી થઈ જવી જોઈએ. તું હોનોલુલુમાં શુટિંગ કરે કે બીજે ક્યાં કરે એનાથી કોઈ ફરક નથી પડતો. મને મારું બજેટ ખબર હતું અને પ્રોડક્શન મારા હાથમાં હતું. હું એ રીતે કામ કરું છું. ‘કાઇટ્સ’ સાથે એવું નહોતું. હું ત્યાં જતો અને બસ ડિરેક્ટ કરતો. અમે દૃશ્યને કેવી રીતે દેખાડશું એની ચર્ચા કરતા હતા. હું માર્કેટ અને રિટર્ન્સ વિશે કંઈ નહોતો વિચારી રહ્યો. આ એક સ્મૉલ, ઇન્ડી ફિલ્મ તરીકે શરૂઆત થઈ હતી. ચાર-પાંચ વ્યક્તિ નિર્ણય લઈ રહ્યા હોવાથી ફિલ્મ એની રીતે શૅપ લઈ રહી હતી. મારું વિઝન અને પ્રોડ્યુસર રાકેશ રોશનજીનું વિઝન પણ અલગ હતું. અંતે ફિલ્મ ન અહીંની રહી, ન ત્યાંની રહી.’
તેની સાથે કામ કરનાર ઍક્ટર્સનું કહેવું છે કે તેમણે શું કરવાનું છે એના પ્રૉપર આઇડિયા વગર તેઓ સેટ પર આવતા હતા. તેઓ જેમ કામ કરતાં જતાં એમ દૃશ્યો ધીમે-ધીમે ઉંમેરાતાં જતાં હતાં. આ એક ખૂબ જ ભયાનક પ્રોસેસ છે, પરંતુ એમ છતાં તેની ‘લુડો’માં એકસાથે બૉલીવુડના ઘણા લોકો કામ કરવા માટે તૈયાર થયા હતા. આ વિશે વાત કરતાં અનુરાગે કહ્યું હતું કે ‘ટીવી કરતો હતો ત્યારે હું એવો નહોતો. ‘ગૅન્ગસ્ટર’ દરમ્યાન મારી આ પ્રોસેસની શરૂઆત થઈ હતી. કંગના એ સમયે નવી હતી. શાઇની આહુજા વધુ પડતી તૈયારી સાથે આવતો હતો. તેમના પર્ફોર્મન્સ યોગ્ય રીતે બેસાડવામાં મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ માટે ઘણા રિટેક્સ લેવા પડતા હતા. મેં જ્યારે ‘લાઇફ ઇન અ મેટ્રો’માં રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસરની જગ્યા સંભાળી ત્યારે મારે કોઈને સ્ક્રિપ્ટ દેખાડવાની જરૂર નહોતી પડી. હું છેલ્લી ક્ષણ સુધી કોઈ પણ દૃશ્ય સાથે કમિટ નથી કરતો. ‘લાઇફ ઇન અ મેટ્રો’માં એક દૃશ્ય છે જેમાં કે કે મેનન અને શિલ્પા શેટ્ટી એકમેકની સાથે ચીટિંગ કરી હોવાની કબૂલાત કરે છે. શિલ્પા એ સમયે શાઇની આહુજા વિશે વાત કરતી હોય છે. હું એ સમયે શિલ્પા અને એક અસિસ્ટન્ટ સાથે દૃશ્ય બનાવી રહ્યો હતો. એ સમયે એક ડાયલૉગ મોંમાં આવી ગયો હતો અને કે કેએ પૂછ્યું હતું કે બચ્ચા તો મેંરા હૈ ના? એ સ્ક્રિપ્ટમાં નહોતો. એ સેટ પર આવ્યો હતો અને મેં એનો સમાવેશ કર્યો હતો.’
૨૦૦૪માં આવેલી ‘મર્ડર’ બાદ તેને છેલ્લા સ્ટેજનું કૅન્સર થયું હતું. ડૉક્ટરે તેને વધુમાં વધુ થોડાં અઠવાડિયાં જીવશે એવું કહ્યું હતું. આ વિશે વાત કરતાં અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘આ બધુ અચાનક થઈ ગયું હતું. એક દિવસ મેં મારું રિફ્લેક્શન જોયું હતું અને મને નહોતી જાણ કે હું આવો દેખાઈ રહ્યો છું. ઇન્ટરનલ બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું. એક ડોલ ભરીને લોહી નીકળી ગયું હતું. ૧૭ દિવસ સુધી વૅન્ટિલેટર પર રહ્યો, એ પહેલાં હું ફક્ત સારી રીતે ઑક્સિજન લઈ શકું એવું ઇચ્છતો હતો. એના કારણે મારા પિતા પર પણ ખૂબ જ અસર પડી હતી. તેમની પણ હેલ્થ ત્યાર બાદ બગડી ગઈ હતી.’
‘લાઇફ ઇન અ મેટ્રો’માં એક દૃશ્ય છે જેમાં નફિસા અલીનું પાત્ર ટ્રાફિક જૅમને કારણે મૃત્યુ પામે છે. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘મને લીલાવતી હૉસ્પિટલમાંથી તારા મેમોરિયલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો ત્યારે મને લાગ્યું હતું કે મારી સાથે પણ આવું જ થવાનું છે.’
આ સમયે અનુરાગ ૨૦૦૪માં આવેલી તેની ઇમરાન હાશ્મી અને દિયા મિર્ઝા સાથેની ફિલ્મ ‘તુમ્સા નહીં દેખા’ બનાવી રહ્યો હતો. તે લાઇફ માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો, પરંતુ તેના દિમાગમાં તેની ફિલ્મ હતી અને તે ડિક્ટાફોન દ્વારા હૉસ્પિટલના બેડ પરથી શૂટિંગ માટે ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો. આ ટ્રીટમેન્ટ ઘણાં વર્ષ સુધી ચાલી હતી. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘હું ખૂબ જ પાતળો થઈ ગયો હતો. માસ્ક પહેરી રાખતો હતો. આઇસીયુમાં ઘણા લાંબા સમય માટે ચાલેલી મારી ટ્રીટમેન્ટને કારણે મારે હૉસ્પિટલનું બિલ રિકવર કરવાનું હતું. પૈસાને લઈને સર્વાઇવલનો ઇશ્યુ થઈ ગયો હતો. હું ઝી અને સોનીમાં મારા જૂના મિત્રો પાસે ગયો હતો. તેમણે મને શો આપ્યા હતા. મારી પાસે કોઈ ફિલ્મો નહોતી. મેં પહેલેથી શરૂઆત કરી હતી. મેં એક વર્ષ સુધી ટીવી કર્યું હતું.’
તે ‘ગૅન્ગસ્ટર’ દ્વારા ફરી ફિલ્મના સેટ પર ગયો હતો. આ વિશે વાત કરતાં અનુરાગે કહ્યું હતું કે ‘મારે એ સમયે ‘લાઇફ ઇન અ મેટ્રો’ બનાવવાની હતી. મેં એ સમયે વિચાર્યું હતું કે કદાચ હું એ વિશેષ ફિલ્મ સાથે બનાવીશ. મુકેશજી એ સમયે પણ બૅગમાં સૅનિટાઇઝર લઈને ચાલતા હતા અને હું સાવચેતી ન રાખું તો મારા પર ગુસ્સે થતા હતા. તેઓ લાલચું નહોતા. તેઓ મારી હેલ્થને લઈને સાવચેતી રાખતા હતા. તેમણે મને રાહ જોવા કહીં હતી, પરંતુ હું એ જોવા નહોતો માગતો. એ સમયે મેં પ્રોડ્યુસર બનવાનો નિર્ણય લીધો હતો. ‘લાઇફ ઇન અ મેટ્રો’ એને કારણે જ બની હતી. મેં વિચાર્યું કે હું ફિલ્મો બનાવી રહ્યો છું તો પૈસા પણ મારે જ કમાવા જોઈએ. તમારા ફૅમિલી માટે પૈસા રાખવા ખૂબ જ જરૂરી છે.’

27 December, 2020 04:39 PM IST | Mumbai | Mayank Shekhar

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દુર્ગાપૂજામાં કાજોલ અને તનિષા મુખર્જી લડી પડ્યાં, માતાએ કરી દરમિયાનગીરી

એક વીડિયો સામે આવ્યો છે જેમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે.

20 October, 2021 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સુર્યવંશી ફિલ્મના પહેલા ગીતનું ટીઝર રિલીઝ, અક્ષય, રણવીર અને અજયનો ધમાકેદાર જશ્ન

ફિલ્મનું પહેલું ગીત `આઈલા રે આઈલા`  નું ટીઝર રિલીજ થયું છે.

20 October, 2021 04:34 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હૅપી ફૅમિલી

સની દેઓલનો ગઈ કાલે બર્થ-ડે હતો. તે ૬૫ વર્ષનો થયો. જન્મદિવસની શુભેચ્છા આપતો ફોટો શૅર કરીને બૉબી દેઓલે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ ડે ભૈયા. તમે મારી દુનિયા છો.’

20 October, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK