આ લગ્નનું રજિસ્ટ્રેશન ગોવાના યુનિફૉર્મ સિવિલ કોડના માળખા હેઠળ કરવામાં આવ્યું છે
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ
અર્જુન રામપાલે ગોવામાં પોતાની ગર્લફ્રેન્ડ ગૅબ્રિએલા દિમિટ્રિએડ્સ સાથેનાં લગ્નને સત્તાવાર રીતે રજિસ્ટર કરાવી લીધાં છે. બન્નેએ રાજ્યના યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) હેઠળ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. આ કપલ ગઈ કાલે બપોરે આશરે ૪ વાગ્યે ઉત્તર ગોવાના માપુસામાં સબ-રજિસ્ટ્રાર ઑફિસ પહોંચ્યું હતું. બન્ને કૅઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં અને તેમની સાથે નજીકના મિત્રો પણ હાજર હતા.
સબ-રજિસ્ટ્રાર સૂરજ વરનેકરે કહ્યું હતું કે લગ્નનું રજિસ્ટ્રેશન ગોવાના યુનિફૉર્મ સિવિલ કોડના માળખા હેઠળ કરવામાં આવ્યું છે. અર્જુન અને ગૅબ્રિએલા ૨૦૧૮થી સાથે રહે છે અને આટલાં વર્ષોમાં બન્નેએ મળીને એક સુખી પરિવાર બનાવ્યો છે તેમ જ તેઓ બે દીકરાઓના પેરન્ટ્સ પણ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કપલે લાંબા સમય સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ સગાઈ કરી હોવાની માહિતી આપી હતી.
ગૅબ્રિએલા સાથે રજિસ્ટર્ડ મૅરેજ કરતાં પહેલાં અર્જુને ભૂતપૂર્વ સુપરમૉડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં અને તેમને બે દીકરીઓ માહિકા અને માયરા છે. અર્જુન અને મેહરે ૨૦૧૮માં અલગ થવાની જાહેરાત કરી હતી અને ૨૦૧૯માં તેમના છૂટાછેડા થયા હતા.
