દિલ્હી હાઈ કોર્ટે ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવીને ફિલ્મની રિલીઝને મંજૂરી આપી દીધી છે
ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’
દિલ્હી હાઈ કોર્ટે ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવીને ફિલ્મની રિલીઝને મંજૂરી આપી દીધી છે. આ અરજી દિલ્હીના વકીલ શકીલ અબ્બાસે દાખલ કરી હતી. તેમણે ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને અભિનેતા પરેશ રાવલ સાથે કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને પણ પક્ષકાર બનાવ્યા હતા. યાચિકાકર્તાનું કહેવું હતું કે ફિલ્મ તાજમહલ અને એની સાથે જોડાયેલી ઐતિહાસિક માહિતીઓને ખોટી રીતે બતાવે છે જેનાથી ધાર્મિક તનાવ અથવા ભ્રમ ફેલાઈ શકે છે.
અદાલતે આ દલીલોને રદ કરીને કહ્યું કે આ કલાત્મક સ્વતંત્રતા પર અનાવશ્યક હસ્તક્ષેપનો પ્રયાસ છે. કોર્ટે એના આદેશમાં કહ્યું કે રચનાત્મક અભિવ્યક્તિને નક્કર પુરાવા અથવા પર્યાપ્ત કારણ વિના મર્યાદિત ન કરી શકાય. અદાલતે સ્પષ્ટ કર્યું કે કોઈ ફિલ્મને માત્ર અનુમાન અથવા આશંકાના આધારે રોકી શકાય નહીં. આ આદેશ પછી ‘ધ તાજ સ્ટોરી’ ૩૧ ઑક્ટોબરે રિલીઝ કરી શકાશે.


