સેટ પરનો વિડિયો શૅર કરીને તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની અફવા પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘સરદારજી 3’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને કાસ્ટ કરવામાં આવી હોવાને કારણે દિલજિતને ઘણો ટ્રોલ
કરવામાં આવી રહ્યો છે. એવી ચર્ચા હતી કે પહલગામ હુમલા બાદ પાકિસ્તાની અભિનેત્રી સાથે કામ કરવાને કારણે દિલજિતને ‘બૉર્ડર 2’માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે દિલજિતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
દિલજિત દોસાંઝે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘બૉર્ડર 2’ના સેટ પરથી એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે શાનદાર લુકમાં જોવા મળે છે. ગ્રે પૅન્ટ, બ્લુ બ્લેઝર અને માથે પાઘડી પહેરીને દિલજિત પોતાની વૅનિટી-વૅનમાંથી ઊતરતો જોવા મળે છે. તે ક્યારેક પોતાની મૂછને તાવ આપતો હોય છે તો ક્યારેક સ્ક્રિપ્ટ વાંચતો નજરે પડે છે. આ વિડિયો સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘બોર્ડર 2’. આ ઉપરાંત શૂટિંગ ઇમોજી પણ ઍડ કરી છે.

