દેશમાં આપવામાં આવતી કોવિડ-19 રસી સલામત અને અસરકારક છે. ખૂબ જ ઓછા કેસમાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી છે
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના હસન જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં ૨૦થી ૪૫ વર્ષની ઉંમરના બાવીસથી વધુ યુવાનોએ હાર્ટ-અટૅકથી જીવ ગુમાવતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ એ માટે કોવિડની રસીને કારણભૂત ઠરાવી હતી, પણ ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR) અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
આ સંદર્ભમાં સિદ્ધારમૈયાએ મંગળવારે કહ્યું હતું કે કોરોના રસીને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી અને પછી રસીનું વિતરણ ઝડપથી કરવામાં આવ્યું હતું. એથી શક્ય છે કે કોરોના રસી પણ અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે જો કોઈને છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં તપાસ કરાવો અને લક્ષણોને બિલકુલ અવગણશો નહીં. સિદ્ધારમૈયાએ નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિને એની તપાસ કરવા અને ૧૦ દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
રસી સલામત અને અસરકારક
ICMR અને AIIMSના અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ભારતમાં અચાનક મૃત્યુ અને કોવિડ-19 રસી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. દેશમાં આપવામાં આવતી કોવિડ-19 રસી સલામત અને અસરકારક છે. ખૂબ જ ઓછા કેસમાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી છે. આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે દેશની વિવિધ એજન્સીઓએ અચાનક થતાં મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે એનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી.
ICMRના અભ્યાસમાં શું છે?
ICMRના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી (NIE) દ્વારા પહેલો સ્ટડી મે અને ઑગસ્ટ ૨૦૨૩ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સ્ટડી દેશનાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ મોટી હૉસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો. આમાં એવા લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી જેઓ પહેલાં સ્વસ્થ દેખાતા હતા, પરંતુ ઑક્ટોબર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૩ની વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસનાં પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ-19 રસી લેવાથી અચાનક મૃત્યુનું જોખમ વધતું નથી.
AIIMSનો અભ્યાસ શું કહે છે?
નવી દિલ્હીની AIIMS દ્વારા બીજો સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યો છે. આમાં મૃત્યુનાં કારણોની વાસ્તવિક સમયમાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે આ વયજૂથમાં મોટા ભાગનાં મૃત્યુ હાર્ટ-અટૅકના હુમલાને કારણે થાય છે. અત્યાર સુધીની માહિતીથી એ પણ સ્પષ્ટ થયું છે કે અગાઉનાં વર્ષોની તુલનામાં મૃત્યુનાં કારણોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઘણા કિસ્સામાં એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક આનુવંશિક વિકૃતિઓ મૃત્યુનું કારણ હોઈ શકે છે. સ્ટડી પૂર્ણ થયા પછી અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે.
રસી હાર્ટ-અટૅક હુમલાનું કારણ નથી
આ બન્ને સ્ટડીએ એ સમજવામાં મદદ કરી છે કે ભારતમાં યુવાનોના અચાનક મૃત્યુ માટે પહેલાંથી અસ્તિત્વમાં રહેલા રોગો, આનુવંશિક કારણો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જવાબદાર છે, પરંતુ કોવિડની રસી નથી.

