પંજાબી સુપરસ્ટાર થીમ કરતાં અલગ લુક પસંદ કરીને છવાઈ ગયો. દિલજિત દોસાંઝનું આજે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં મોટું નામ ગણાય છે. પંજાબી સિંગર અને પંજાબી ફિલ્મોના આ સુપરસ્ટારની આજે બૉલીવુડના સફળ ઍક્ટર-સિંગર તરીકે પણ ગણના થાય છે.
દિલજિત દોસાંઝ મેટ ગાલામાં
દિલજિત દોસાંઝનું આજે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં મોટું નામ ગણાય છે. પંજાબી સિંગર અને પંજાબી ફિલ્મોના આ સુપરસ્ટારની આજે બૉલીવુડના સફળ ઍક્ટર-સિંગર તરીકે પણ ગણના થાય છે. આ વર્ષે દિલજિતે દુનિયાની સૌથી મોટી ફૅશન-ઇવેન્ટ મેટ ગાલામાં ડેબ્યુ કર્યું છે. આ વખતે મેટ ગાલા 2025ની થીમ ‘સુપરફાઇન : ટેલરિંગ બ્લૅક સ્ટાઇલ’ હતી જેમાં બ્લૅક આઉટફિટ પહેરવાનાં હતાં, પણ દિલજિતે ઇવેન્ટમાં થીમ કરતાં અલગ પંજાબી રૉયલ લુક અપનાવીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.
પ્રબલ ગુરંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ લુકની રૉયલ શાન વધારવા માટે દિલજિતે રૉયલ જ્વેલરી અને મૅચિંગ પાઘડી પહેરવાનું પસંદ કર્યું હતું. તેણે પોતાના લુકને પર્ફેક્ટ બનાવવા માટે ત્રિપંડ પણ પહેર્યું હતું. તેના આઉટફિટમાં પાછળ પંજાબનો નકશો અને પંજાબી વર્ણમાલા (ગુરુમુખીના અક્ષર) પણ ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. આ લુક મહારાજા ભૂપિન્દર સિંહ ઑફ પટિયાલાથી પ્રેરિત હતો.

