પત્નીએ તેના પર લગાવેલા અફેરના અને બીજા આરોપ વિશે ગોવિંદાએ ચુપકીદી તોડી
ગોવિંદા
ગોવિંદાએ પત્ની સુનીતા આહુજાના આરોપ અને દાવાઓ બાદ હવે પોતાની ચુપકીદી તોડી છે. સુનીતાએ પતિ ગોવિંદા પર આરોપ લગાવતાં કહ્યું હતું કે તેનું બીજી યુવતી સાથે અફેર છે અને તેણે પોતાના પુત્ર યશવર્ધનને કરીઅર બનાવવા માટે પૂરતો સપોર્ટ આપ્યો નથી. હવે મીડિયા સાથેની વાતચીતમાં ગોવિંદાએ આરોપ લગાવ્યો છે કે સુનીતાનો ઉપયોગ કરીને તેની વિરુદ્ધ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. તેણે પરિવારના સભ્યોને અપીલ કરી છે કે મીડિયા મારફત નિવેદન આપીને મારા પર દબાણ ન લાવો.
મીડિયા સાથે વાતચીત કરતી વખતે ગોવિંદાએ પત્ની સુનીતાના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેણે પતિને સુધરવાની સલાહ આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે ‘મેં કેટલી વાર લગ્ન કર્યાં છે? ૪૦ વર્ષ થઈ ગયાં. શું મેં બે-ત્રણ વાર લગ્ન કર્યાં છે? જે લોકો અનેક વાર લગ્ન કરે છે તેમની પત્નીઓ કાંઈ બોલતી નથી. તેઓ ફરતા રહે છે અને મજા કરતા રહે છે. ફિલ્મલાઇનના લોકો આ બાબતો પર સામાજિક રીતે ચર્ચા નથી કરતા. મેં બહુ ઓછા એવા લોકો જોયા છે જેના પર કોઈ દાગ ન લાગ્યો હોય. હા, જ્યારે તમને સાઇડલાઇન કરવામાં આવે છે ત્યારે તમે વિચારો છો કે એમાંથી બહાર કેવી રીતે નીકળવું.’
ADVERTISEMENT
કૃષ્ણા અભિષેકને પણ સલાહ
ગોવિંદાએ પોતાના ભાણેજ કૃષ્ણા અભિષેક વિશે પણ વાત કરી. ગોવિંદાએ દાવો કર્યો છે કે તેની પત્ની ઉપરાંત કૉમેડિયન કૃષ્ણાનો પણ તેની વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં ઉપયોગ થઈ રહ્યો છે. તેણે કહ્યું કે ‘જો તમે કૃષ્ણાનો ટીવી-પ્રોગ્રામ જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે રાઇટર્સ તેની પાસે એવી વાતો બોલાવે છે જેનાથી મારું અપમાન થાય. મેં તેને કહ્યું હતું કે તારા માધ્યમથી મારું અપમાન કરવામાં આવે છે. મેં તેને સાવચેત રહેવા પણ કહ્યું. જ્યારે મેં કૃષ્ણાને ચેતવણી આપી ત્યારે સુનીતા ગુસ્સે થઈ હતી. મને ખબર નથી કે આ લોકો ક્યારે એકબીજા પર ગુસ્સે થાય છે અને ક્યારે ફરી ઠીક થઈ જાય છે. હું સ્વભાવથી બહુ શાંત માણસ છું.’
દીકરાને સપોર્ટ ન કરવા પાછળનું કારણ
દીકરાને કરીઅર બનાવવા માટે સપોર્ટ ન આપવાના આરોપના મામલે ગોવિંદાએ કહ્યું હતું કે ‘હું મારી ક્ષમતા અનુસાર કામ કરી રહ્યો છું. હું મારાં બાળકો વિશે ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ સાથે સીધી ચર્ચા નથી કરતો. આ ઇન્ડસ્ટ્રી મારો પરિવાર છે, જ્યાંથી હું પૈસા અને નામ મેળવું છું. ઇન્ડસ્ટ્રીમાં સતર્ક રહેવું જરૂરી છે, કારણ કે આ બધું આમ જ નથી થઈ રહ્યું. કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે અને લોકો મારા વિશે ખોટી ધારણા ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે. હું મારા પરિવારને માત્ર એટલી વિનંતી કરું છું કે એવી પરિસ્થિતિ ઊભી ન કરો જેથી મને ગૂંગળામણ અનુભવાય.’
પત્ની સુનીતાના કયા ઇન્ટરવ્યુ વિશે ગોવિંદાએ આ પ્રતિક્રિયા આપી છે?

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ હાલમાં એક ઇન્ટવ્યુમાં ગોવિંદા પર એક નવોદિત ઍક્ટ્રેસ સાથે અફેર હોવાનો આરોપ મૂકીને કહ્યું હતું કે તે જ વ્યક્તિ દ્વારા તેમને બ્લૅકમેઇલ કરવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે. આ ઇન્ટરવ્યુ દરમ્યાન સુનીતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો મને આ વાતનું કન્ફર્મેશન મળશે તો હું ગોવિંદાને ક્યારેય માફ નહીં કરું.
એ ઇન્ટરવ્યુમાં સુનીતાએ ૨૦૨૫ને પોતાના જીવન માટે વિનાશક વર્ષ ગણાવ્યું. તેણે કહ્યું કે આ વર્ષે તેનું પારિવારિક જીવન બગડી ગયું. સુનીતાએ આશા વ્યક્ત કરી કે ૨૦૨૬માં ભગવાન ગોવિંદાને સદ્બુદ્ધિ આપે અને તે સમજે કે પરિવારનું મહત્ત્વ શું છે.
આ ઇન્ટરવ્યુ દરમ્યાન સુનીતાએ પતિ ગોવિંદા સાથે કથિત રીતે સંબંધ ધરાવતી યુવતીના નામ તરફ આડકતરો ખુલાસો કર્યો. તેણે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિને પૂછ્યું કે ‘તારું નામ કોમલ છે? આ નામ થોડું ગરબડ છે. હું કોમલ નામને નાપસંદ કરું છે અને એક કોમલ નામની યુવતીને હું પસંદ નથી કરતી.’
નવોદિત યુવતી અને ગોવિંદાના સંબંધો પર આડકતરી કમેન્ટ કરતાં સુનીતાએ કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરવા મુંબઈ આવતી યુવતીઓ મોટા સ્ટાર્સને ફસાવીને પછી બ્લૅકમેઇલ કરે છે. ખર્ચ ચલાવવા માટે તેઓ ‘શુગર ડૅડી’ શોધે છે, પરંતુ ૬૩ વર્ષની ઉંમરે સારો પરિવાર, સુંદર પત્ની અને મોટાં સંતાનો હોવા છતાં ગોવિંદા માટે આવી ભૂલ કરવી યોગ્ય નથી. યુવાનીમાં ભૂલો થઈ હોય તો સમજાય, પરંતુ આ ઉંમરે નહીં. ગોવિંદાએ હવે દીકરી ટીનાનાં લગ્ન અને દીકરા યશની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ.’
મને વર્ષોથી સમાજથી અલગ પાડવામાં આવ્યો છે, કામથી પણ દૂર રાખવામાં આવ્યો છે : ગોવિંદાએ વ્યથા ઠાલવતાં કહ્યું કે કાંઈ બોલતો નથી એટલે મને નબળો ગણવામાં આવે છે
ગોવિંદા પર પત્ની સુનીતા આહુજાએ અન્ય યુવતી સાથે અફેર હોવાનો આરોપ મૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે ગોવિંદા અને સુનીતા ડિવૉર્સ લઈ લેવાનાં છે. હવે આ મામલે ગોવિંદાએ કહ્યું હતું કે ‘મોટા ભાગે સ્ત્રીઓ ખોટી નથી હોતી. ભલે મારી મા હોય, મારી સાસુ હોય કે મારા ઘર-પરિવારની કોઈ સ્ત્રી હોય. હું ક્યારેય તેમની સાથે દલીલબાજી નથી કરતો. સુનીતા ખૂબ બુદ્ધિશાળી અને ભણેલી છે. ભાષામાં પણ કોઈ ભૂલ નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું કે જ્યારે આપણે મોઢું નથી ખોલતા ત્યારે ક્યારેક આપણે નબળા દેખાઈએ. હું કાંઈ બોલતો નથી એટલે મને નબળો ગણવામાં આવે છે અને એવું લાગે છે કે ચોક્કસ હું જ દોષી હોઈશ અને એટલે આજે હું જવાબ આપી રહ્યો છું. મને કહેવામાં આવ્યું હતું કે આમાં તમારા પરિવારના લોકોનો ઉપયોગ થઈ શકે છે, તેમને એનો ખ્યાલ પણ નહીં આવે. શરૂઆતમાં માણસને પહેલાં પરિવારથી અલગ પાડવામાં આવે છે અને પછી સમાજથી. મને તો વર્ષોથી સમાજથી અલગ પાડવામાં આવ્યો છે અને કામથી પણ દૂર રાખવામાં આવ્યો છે. મને મારી ફિલ્મો માટે માર્કેટ ન મળ્યું. એવું ન સમજશો કે હું રડી રહ્યો છું. મેં પણ ઘણી ફિલ્મો છોડી છે એટલે હું રડું એમ નથી.’


