ધર્મેન્દ્રની પ્રથમ પુણ્યતિથિ પર હેમા માલિનીએ ભાવુક પોસ્ટ શેર કરીને તેમને યાદ કર્યા હતા. તેમણે ધર્મેન્દ્રને પોતાના પતિ, મિત્ર, માર્ગદર્શક અને જીવનની સૌથી મોટી તાકાત ગણાવ્યા હતા: ધર્મેન્દ્રની પહેલી પુણ્યતિથિએ હેમા માલિનીએ વ્યક્ત કરી દિલની વ્યથા
ધર્મેન્દ્ર અને હેમા માલિની
ગઈ કાલે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પુણ્યતિથિ હતી. તેમણે દુનિયાને અલવિદા કહ્યે એક વર્ષ વીતી ગયું છે, પણ તેમની યાદો આજે પણ પરિવારજનો અને ચાહકોનાં દિલમાં તાજી છે. ધર્મેન્દ્રની પ્રથમ પુણ્યતિથિ પર તેમનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના જીવનસાથીને યાદ કરતાં જણાવ્યું છે કે તેમના ગયા બાદ જીવન ખાલી થઈ ગયું છે.
હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક આખું વર્ષ વીતી ગયું, પણ મારું દુઃખ જરાય ઓછું થયું નથી. હું એક એવા માણસને ગુમાવવાનું દુઃખ અનુભવી રહી છું જેની ખોટ ક્યારેય પુરાઇ નહીં શકે. તેઓ માત્ર મારા પતિ જ નહોતા, પણ મારું સર્વસ્વ હતા. મારા મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર હતા. તેઓ મારી તાકાત હતા અને ટૂંકમાં કહું તો મારું સમગ્ર અસ્તિત્વ હતા. તેમના વિના જીવન સાવ ખાલી લાગે છે. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, તેમનો સહજ સદ્ગુણી સ્વભાવ અને તેમને ઓળખતી દરેક વ્યક્તિ પ્રત્યેનો તેમનો પ્રેમ... તેઓ એક અનોખા માનવી હતા. સફળતાનાં શિખરે પહોંચ્યા હોવા છતાં તેઓ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા અને પોતાનાં મૂળિયાંને ભૂલ્યા નહીં.
ADVERTISEMENT
ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા અમર છે અને તેનો પુનર્જન્મ થાય છે. હું આ વાત જાણું છું, પણ હું હજી આ જ જીવનમાં છું અને તેમની પ્રેમાળ હાજરીને યાદ કર્યા વિના રહી શકતી નથી. આ ઉદાર અને પ્રેમાળ વ્યક્તિને યાદ કરનારા લાખો ચાહકોનો હું આભાર માનું છું. ધરમજીના તેમના જીવનમાં સ્થાન વિશે આટલા હૂંફાળા સંદેશાઓ મોકલવા બદલ આપ સૌનો આભાર. ફરી એક વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’
