ધર્મેન્દ્રના પરિવારની વાત કરીએ તો તેમનાં બે લગ્ન થયાં હતાં. ધર્મેન્દ્રને પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી ચાર સંતાનો સની દેઓલ, બૉબી દેઓલ, વિજેતા દેઓલ તથા અજીતા દેઓલ છે તેમ જ બીજી પત્ની હેમા માલિનીથી બે દીકરીઓ એશા દેઓલ અને આહના દેઓલ છે.
ધર્મેન્દ્ર (ફાઇલ તસવીર)
સોમવારે ૮૯ વર્ષની ઉંમરે અવસાન પામેલા ધર્મેન્દ્રએ કરીઅરમાં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને એ કમાણી તેમણે રિયલ એસ્ટેટ, વિજેતા ફિલ્મ્સ નામના પ્રોડક્શન-હાઉસમાં તેમ જ ‘ગરમધરમ’ રેસ્ટોરાં ચેઇનમાં ઇન્વેસ્ટ કરી છે અને તેઓ આશરે ૪૫૦થી ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. ધર્મેન્દ્રના અવસાન પછી હવે તેમની પ્રૉપર્ટીની પરિવારમાં કઈ રીતે વહોંચણી કરવામાં આવશે એ મામલો ફૅન્સમાં ચર્ચાઈ રહ્યો છે.
ધર્મેન્દ્રના પરિવારની વાત કરીએ તો તેમનાં બે લગ્ન થયાં હતાં. ધર્મેન્દ્રને પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી ચાર સંતાનો સની દેઓલ, બૉબી દેઓલ, વિજેતા દેઓલ તથા અજીતા દેઓલ છે તેમ જ બીજી પત્ની હેમા માલિનીથી બે દીકરીઓ એશા દેઓલ અને આહના દેઓલ છે. ધર્મેન્દ્રની પ્રૉપર્ટીની વહેંચણીની વાત કરીએ તો હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ ધર્મેન્દ્રનાં બન્ને લગ્નોનાં તમામ ૬ બાળકોને ધર્મેન્દ્રની મિલકતમાં સમાન હિસ્સો મળશે. જોકે આ મિલકતમાં હેમા માલિનીને ત્યારે જ હિસ્સો મળી શકે જ્યારે ધર્મેન્દ્રના વસિયતનામામાં એ વાતનો નિર્દેશ કરવામાં આવ્યો હોય અથવા તેમનાં લગ્નની કાનૂની માન્યતા કોર્ટમાં સાબિત થવી જોઈએ. હકીકતમાં પ્રથમ પત્નીને છોડ્યા વગર કરવામાં આવેલાં બીજાં લગ્ન હિન્દુ મૅરેજ ઍક્ટ હેઠળ અમાન્ય છે જેથી બીજી પત્નીને આપમેળે મિલકતનો અધિકાર નથી મળતો. જોકે કોઈ વિવાદ ન હોય તો બન્ને પત્નીઓને પરસ્પર સંમતિથી હિસ્સો મળી શકે છે.
ADVERTISEMENT
કોને મળશે ધર્મેન્દ્રનું સરકારી પેન્શન?
ધર્મેન્દ્ર ઍક્ટર હોવા ઉપરાંત રાજ્યસભાના સંસદસભ્ય પણ રહી ચૂક્યા હતા. તેમણે બે લગ્ન કર્યાં હતાં અને હવે તેમના નિધન પછી તેમનું સરકારી પેન્શન કોને મળશે એ પ્રશ્ન ફૅન્સમાં ચર્ચાઈ રહ્યો છે. કાયદાની દૃષ્ટિએ જોઈએ તો પેન્શનના નિયમો મુજબ ભૂતપૂર્વ સંસદસભ્યના પેન્શનનો હક માત્ર કાયદાકીય રીતે માન્ય પત્નીને જ આપવામાં આવે છે. જો કાયદાની દૃષ્ટિએ કોઈ લગ્ન માન્ય ન હોય તો તેને પેન્શન પર કોઈ અધિકાર મળતો નથી. જોકે ધર્મેન્દ્રનો મામલો થોડો જટિલ છે, કારણ કે તેમણે બે લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્રનાં પહેલાં લગ્ન પ્રકાશ કૌર સાથે હિન્દુ રીતરિવાજ મુજબ થયાં હતાં અને જ્યારે તેમણે હેમા માલિની સાથે બીજી વખત લગ્ન કર્યાં ત્યારે પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા નહોતા તથા બીજાં લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.
હિન્દુ મૅરેજ ઍક્ટ ૧૯૫૫ મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની એક પત્ની જીવિત હોય અને તેની સાથે છૂટાછેડા લીધા વિના બીજી મહિલા સાથે લગ્ન કરે તો એ લગ્ન કાયદાકીય રીતે માન્ય ગણાતાં નથી. આવી સ્થિતિમાં પેન્શનનો હક માત્ર પ્રથમ પત્નીને મળે છે. બીજી પત્નીને આ પેન્શન પર કોઈ અધિકાર મળતો નથી. આમ કાયદાની દૃષ્ટિએ ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર જ તેમના પેન્શનની હકદાર છે, કારણ કે તેમનાં લગ્ન હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત થયાં હતાં અને ક્યારેય તૂટ્યાં નહોતાં.


