મહિમા ચૌધરીએ આ બીમારી સાથેના સંઘર્ષની વાતો શૅર કરી
મહિમા ચૌધરી
બાવન વર્ષની મહિમા ચૌધરી બ્રેસ્ટ-કૅન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી ચૂકી છે. હવે તેણે ખુલાસો કર્યો છે કે તેને આ બીમારીનાં કોઈ લક્ષણ નહોતાં દેખાયાં, પણ જ્યારે તે રૂટીન વાર્ષિક ચેકઅપ માટે હૉસ્પિટલ ગઈ હતી ત્યારે તેને બ્રેસ્ટ-કૅન્સર હોવાની ખબર પડી હતી. હવે મહિમાએ સ્ત્રીઓને વિનંતી કરી છે કે વર્ષમાં એક વખત તપાસ જરૂર કરાવવી જોઈએ, જેથી શરૂઆતમાં બીમારીની ખબર પડી જાય તો વહેલી સારવાર શરૂ થઈ શકે.
પોતાને થયેલી આ બીમારી વિશે મહિમાએ કહ્યું હતું કે ‘મને આ બીમારીનાં કોઈ લક્ષણ નહોતાં. મેં બ્રેસ્ટ-કૅન્સરની ખાસ તપાસ કરાવી નહોતી. હું તો માત્ર મારા વાર્ષિક ચેકઅપ માટે ગઈ હતી. મને જરાય અંદાજ નહોતો કે મને બ્રેસ્ટ-કૅન્સર છે. કૅન્સર એવી બીમારી છે જેને તમે શરૂઆતમાં ઓળખી શકતા નથી. એની ખબર માત્ર તપાસ દ્વારા જ પડી શકે છે. એથી જો તમે દર વર્ષે તપાસ કરાવશો તો તમને વહેલી ખબર પડશે અને તમે વહેલી સારવાર કરાવી શકશો. ત્રણ-ચાર વર્ષ પહેલાં મારી બીમારી ઓળખાઈ ત્યારથી ભારતમાં કૅન્સરની ટ્રીટમેન્ટમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે. ઘણી જેનરિક દવાઓ હવે ખૂબ સસ્તી છે.
ADVERTISEMENT
દવા-કંપનીઓ તરફથી વધારે સારો સપોર્ટ મળે છે. કૅન્સર વિશેની જાગૃતિ વધી છે. કૅન્સર સામે લડી રહેલા અન્ય લોકોના અનુભવ સાંભળીને મને ઘણી પ્રેરણા મળી છે.’


