ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશને ખાસ કાગળ લખીને વિનંતી કરી
‘ધુરંધર’ ફિલ્મે દુનિયાભરમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે
ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ છે છતાં એને મિડલ ઈસ્ટના કેટલાક દેશોમાં બૅન કરવામાં આવી છે. આ બૅનને કારણે ફિલ્મને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ મામલે હવે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. IMPPAએ નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને આ કેસમાં દખલ લઈને બૅન દૂર કરાવવામાં મદદ કરવાની અપીલ કરી છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘અમે આપને વિનંતી કરીએ છીએ કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બાહરિન, કુવૈત, કતર, ઓમાન અને સાઉદી અરેબિયામાં ફિલ્મ ‘ધુરંધર’ પર લગાવવામાં આવેલા એકતરફી અને બિનજરૂરી બૅનના મામલે આપ દખલ લેજો. અમારા સભ્ય પ્રોડ્યુસરે આ ફિલ્મ બનાવી છે અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી સર્ટિફિકેટ મળ્યા બાદ એને રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક બની છે.’
ADVERTISEMENT
આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘અમે દેશના સૌથી મોટા અને સૌથી જૂના પ્રોડ્યુસર્સ અસોસિએશનના પ્રતિનિધિ તરીકે આપને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ મામલે દખલ દેજો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બાહરિન, કુવૈત, કતર, ઓમાન અને સાઉદી અરેબિયા ભારતના મિત્ર-દેશો છે અને તેમની સાથે અનેક ક્ષેત્રોમાં આપણો નિયમિત વ્યાપારિક સહકાર છે. અમે માગણી કરીએ છીએ કે ભારત સરકાર આ દેશના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરે અને આ મુદ્દે ઉકેલ લાવે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સન્માન થાય અને બૅન હટાવવામાં આવે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.’


