ઇમરાન ખાને તેના ઇન્ટરવ્યુમાં બૉલીવુડની કાસ્ટિંગ-પ્રક્રિયા વિશે વાત કરી : ઇમરાન ખાને પૉડકાસ્ટમાં કહ્યું કે ઍક્ટર્સને ફેસ-વૅલ્યુના આધારે ફી આપવામાં આવે છે
ઇમરાન ખાન
ઇમરાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ સાથે બૉલીવુડમાં કમબૅક કરવા તૈયાર છે. હાલમાં તેણે એક પૉડકાસ્ટમાં પોતાની કરીઅરની સાથોસાથ બૉલીવુડની કાસ્ટિંગ-પ્રક્રિયા અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા ચોંકાવનારા બદલાવ વિશે પણ ખુલ્લેઆમ વાત કરી છે. આ સાથે તેણે ખુલાસો કર્યો છે કે તેની ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ માટે તે ડિરેક્ટરની પહેલી પસંદગી નહોતો.
પૉડકાસ્ટમાં ઇમરાને ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ના કાસ્ટિંગના દિવસોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે તેની પસંદગી કોઈ સંયોગ નહોતી, પરંતુ એક વિચારેલી રણનીતિનો ભાગ હતી. આ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ માટે શરૂઆતમાં અજય દેવગનને કાસ્ટ કરવામાં આવ્યો હતો, પણ તેણે એમાં કામ કરવાની ના પાડી દેતાં વિશાલે મને પસંદ કર્યો હતો. હકીકતમાં વિશાલે મને માત્ર રોલ માટે યોગ્ય હોવાને કારણે નહીં, પરંતુ એ આશાએ પસંદ કર્યો હતો કે મારા નામથી ફિલ્મને એક નિશ્ચિત બજેટ મેળવવામાં મદદ મળશે.’
ADVERTISEMENT
ફિલ્મોમાં અત્યારની કાસ્ટિંગ-પ્રક્રિયા વિશે વાત કરતાં ઇમરાને કહ્યું હતું કે ‘કાસ્ટિંગની રીત આજે પણ સંપૂર્ણપણે બજેટ પર આધારિત છે. ઍક્ટર રોલ માટે યોગ્ય છે કે નહીં એ કોઈ નથી જોતું. માત્ર એ જ જોવામાં આવે છે કે તમે કયા નામ સાથે જોડાયેલા છો અને એને કારણે ફિલ્મને કેટલો ફાયદો થઈ શકે. બૉલીવુડમાં કાસ્ટિંગ મોટા ભાગે ટૅલન્ટ કરતાં વધારે બજેટ અને સ્ટાર-પાવર પર આધારિત હોય છે.’
રણબીર કપૂર, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફી ઓછામાં ઓછી ૩૦ કરોડ રૂપિયા

ઇમરાન ખાનની આગામી ફિલ્મ ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ આવતા વર્ષે ૧૬ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે એક પૉડકાસ્ટમાં વાતચીત દરમ્યાન ઇમરાને હાલના બૉલીવુડના ટોચના સ્ટાર્સની ફી વિશે ખુલાસો કર્યો છે. ઇમરાને વાતચીતમાં કહ્યું હતું કે ‘આજના સમયમાં એ-લિસ્ટ સ્ટાર્સને તેમની ઍક્ટિંગ કરતાં વધારે તેમની ફેસ-વૅલ્યુના આધારે ફી ચૂકવવામાં આવે છે. આજના સમયમાં જો તમે એ-લિસ્ટ ઍક્ટર છો તો એક ફિલ્મ માટે ૩૦ કરોડ રૂપિયાથી ઓછું કમાતા હો એ શક્ય જ નથી. મારી ઉંમરના રણબીર કપૂર, રણવીર સિંહ કે શાહિદ કપૂર જેવા ઍક્ટર ૩૦ કરોડ રૂપિયાથી ઓછું નથી કમાતા. જો કોઈ તેમનાથી ઓછું કમાતું હોય તો મને ખરેખર આશ્ચર્ય થશે.’


