જૅકી શ્રોફે વૈજયંતીમાલાની ૯૩મી વર્ષગાંઠે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને ભાવુક વિડિયો શૅર કરીને ખાસ શુભેચ્છા પાઠવી હતી.
વૈજયંતીમાલા
જૅકી શ્રોફે હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રી અને પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગનાં વૈજયંતીમાલાની ૯૩મી વર્ષગાંઠે એક ભાવુક વિડિયો શૅર કરીને તેમને ખાસ શુભેચ્છાઓ પાઠવી છે.
જૅકી શ્રોફે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે વૈજયંતીમાલાને મળીને તેમનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતો જોવા મળે છે. બ્લુ શર્ટ અને બ્લૅક વેસ્ટમાં સજ્જ જૅકી અત્યંત આદરપૂર્વક તેમની પાસે પહોંચે છે. ગુરુવારે ૯૩ વર્ષ પૂર્ણ કરનારાં આ દિગ્ગજ અભિનેત્રી લીલા રંગના પરંપરાગત પોશાકમાં નજરે પડે છે અને જૅકી શ્રોફને આશીર્વાદ આપે છે. જૅકીના આ સન્માનજનક વ્યવહારથી ખુશ થઈને વૈજયંતીમાલા સ્મિત સાથે તેની સાથે વાતચીત કરતાં જોવા મળે છે.
જૅકીએ આ વિડિયોના બૅકગ્રાઉન્ડમાં લતા મંગેશકરનું પ્રખ્યાત ક્લાસિક ગીત ‘ઘડી ઘડી મેરા દિલ ધડકે’ ઉમેરીને અેને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
જૅકી શ્રોફે અન્ય એક સિનિયર અભિનેત્રી યોગિતા બાલીને પણ યાદ કર્યાં હતાં. ૧૩ ઑગસ્ટે ૭૪ વર્ષ પૂર્ણ કરનારાં અભિનેત્રી યોગિતા બાલીને શુભેચ્છા આપતાં તેણે સોશ્યલ મીડિયા પર તેમના યુવાનીના દિવસોનો એક જૂનો ફોટો શૅર કર્યો હતો. આ પોસ્ટના બૅકગ્રાઉન્ડમાં કિશોર કુમારનું સદાબહાર ગીત ‘સિમટી સી શર્માઈ સી’ વાગી રહ્યું હતું.
