સોશ્યલ મીડિયામાં ફેલાયેલી આ અફવા વિશે જૉની લીવરની દીકરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે તો મારા નાના ભાઈ જેવો છે
જેમી લીવર અને યશવર્ધન આહુજા
જાણીતા કૉમેડિયન જૉની લીવરની દીકરી જૅમી લીવર હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક ફેક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જૅમી ટૂંક સમયમાં ગોવિંદા અને સુનીતા આહુજાના દીકરા યશવર્ધન આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. વિડિયોમાં બન્નેનાં લગ્નનાં નકલી દૃશ્યો પણ દર્શાવવામાં આવ્યાં હતાં જેના કારણે આ અફવા ઝડપથી સોશ્યલ મીડિયા પર ફેલાઈ ગઈ.
જૅમી લીવરે આ વાઇરલ વિડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મને ખબર છે કે ઘણા લોકો મારાં લગ્ન વિશે ચિંતિત છે. હું જોઈ રહી છું કે મારાં લગ્નના નકલી વિડિયો બનાવવામાં આવ્યા છે. શરૂઆતમાં મને આ બધું જોઈને ખૂબ હસવું આવતું હતું, પણ હવે સતત ફોન-કૉલ્સ આવવા લાગ્યા છે. આના કારણે એક મોટી મુશ્કેલી એ થઈ છે કે મારા માટે જે અસલી માગાં આવી રહ્યાં હતાં એ હવે બંધ થઈ ગયાં છે. આવું ન કરો. છોકરો શોધવામાં ખૂબ મહેનત લાગી રહી છે. જ્યારે મારાં લગ્ન નક્કી થશે ત્યારે હું પોતે જ તમને બધાને જણાવી દઈશ. તમે મને પ્રેમ કરો છો અને હું પણ તમને કરું છું. હું મારી દરેક ખુશી તમારી સાથે શૅર કરું છું આ પણ કરીશ.’
આ વિડિયોમાં જૅમીએ યશવર્ધનનું નામ લીધા વગર સ્પષ્ટતા કરી હતી કે ‘જે વ્યક્તિ સાથે મારાં લગ્નની અફવા ફેલાવવામાં આવી રહી છે તે મારા નાના ભાઈ જેવો છે. અમે બન્ને એક જ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છીએ. પ્લીઝ આવા ફાલતુ વિડિયો ન બનાવો. આ ખરેખર ખૂબ ખરાબ છે.’
