ગઠિયાએ APK ફાઇલ મોકલી ફોનનો કન્ટ્રોલ લીધો અને જુદાં-જુદાં ૪ ખાતાંમાંથી પૈસા ઉપાડી લીધા
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટના ચકાલા વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષના ગુજરાતી શૅરબજાર વેપારીને વોટર ID કાર્ડમાં પિતાનું નામ સુધારવાના બહાને ઇલેક્શન કમિશનર ઑફ ઇન્ડિયા (ECI)ની ખોટી લિન્ક મોકલી ૯,૯૫,૦૦૦ રૂપિયા તફડાવી લેવામાં આવ્યા છે. આ મામલે અંધેરી પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોમવારે ફરિયાદીને ECIના નામે એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો જેમાં વોટર ID દસ્તાવેજોમાં પિતાના નામમાં ભૂલ હોવાનું કહી સાઇબર ગઠિયાએ વૉટ્સઅૅપ પર વિડિયો કૉલ કરીને ECIના નામે બનાવટી લિન્ક મોકલી હતી. ફરિયાદીને વાતોમાં પરોવીને વ્યક્તિગત વિગતો તેમ જ વોટર ID સહિતની માહિતી મેળવી પ્રોસેસિંગ ફીના નામે માત્ર પાંચ રૂપિયા ભરવાનું કહી પેમેન્ટ કરાવવા પ્રયાસ કર્યો હતો જે ફેઇલ થતાં પેમેન્ટ ક્લિયર કરવાના બહાને ECI-CUSTOMER-SUPPORT.apk નામની અૅન્ડ્રૉઇડ પૅકેજ સિસ્ટમ (APK) ફાઇલ ફોનમાં ઇન્સ્ટૉલ કરાવી હતી. આ જોખમી APK ફાઇલ ડાઉનલોડ થતાં જ સાઇબર ઠગોએ ફરિયાદીના ફોન અને તમામ ઑનલાઇન બૅન્કિંગ અકાઉન્ટ્સનો સંપૂર્ણ કન્ટ્રોલ મેળવી પૈસા ઉપાડી લીધા હતા.
ADVERTISEMENT
શું હતો ઘટનાક્રમ?
અંધેરીમાં રહેતા શૅરબજાર વેપારીને ૧૭ ઑગસ્ટે વોટર કાર્ડમાં પિતાનું નામ સુધારવા વિશે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજ ૨૦ ઑગસ્ટે જોતાં ફરિયાદીએ મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ECIનો કર્મચારી તરીકે આપી હતી.
ફોન કરનાર વ્યક્તિએ વૉટ્સઅૅપ વિડિયો કૉલ કરી એક ECI જેવી તૈયાર થયેલ ફેક લિન્ક મોકલી વ્યક્તિગત માહિતી તેમ જ ઓળખપત્રની વિગતો મેળવી લીધી હતી ત્યારબાદ પાંચ રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરવા માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ફેઇલ જતાં ઠગે પેમેન્ટ ક્લિયર કરાવવાના બહાને APK ફાઇલ ફરિયાદીને ડાઉનલોડ
કરાવી હતી.
APK ફાઈલ દ્વારા ફોન અને બૅન્ક-અકાઉન્ટ્સનો એક્સેસ મેળવી ઠગોએ તબક્કા વાર ૯,૯૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ કેસમાં ફરિયાદીનાં ચાર અકાઉન્ટ્સમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા છે. ફરિયાદીને ઈ-મેઇલ પર ટ્રાન્ઝૅક્શન નોટિફિકેશન મળતાં છેતરપિંડીનો ખુલાસો થયો હતો. અંતે તેઓએ સોમવારે અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
