કંગના રનૌતે ભાઈ અને ભાભી સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, કંગના રનૌત અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચેની તકરારનો સુખદ અંત, બાબાએ ઍક્ટ્રેસને ભેટ અને મીઠાઈ મોકલી તેમ જ સમાજમાંથી નફરત અને દુશ્મની ખતમ કરવાની અપીલ પણ કરી
પ્રેમનું આ બંધન જે મેં તારા હાથ પર બાંધ્યું છે એ હંમેશાં તારી રક્ષા કરે
ગઈ કાલે રક્ષાબંધનનો તહેવાર હતો અને ઍક્ટ્રેસ-સંસદસભ્ય કંગના રનૌતે આ તહેવારની ઉજવણી પોતાનાં ભાઈ અને ભાભી સાથે કરી હતી. કંગનાએ પછી આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિાયમાં પોસ્ટ પણ કરી હતી. આ તસવીરો સાથે કંગનાએ ભાઈ માટે લાગણીસભર નોંધ પણ લખી જેમાં તેનાં સ્વાસ્થ્ય, સુખ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી.
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારા પ્રિય ભાઈ, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે પ્રેમનું આ બંધન જે મેં તારા હાથ પર બાંધ્યું છે એ હંમેશાં તારી રક્ષા કરે. તું આપણા માતા-પિતાની સેવા કરતો રહે, કુળની ગરિમા વધારતો રહે, તારી પત્નીનું હંમેશાં કલ્યાણ કરતો રહે, સંતાનની હંમેશાં રક્ષા કરતો રહે અને જીવનમાં સદા સંતુષ્ટ રહે. મારા પ્રિય ભાઈ, હું તને હંમેશાં સ્વસ્થ અને સમૃદ્ધ જોઉં એવી મારી ઇચ્છા છે. મારા માટે તું મારાં માતા-પિતાની જ છબી છે. તારો પ્રેમ અને સંરક્ષણ મને હંમેશાં મળતું રહે. તમામ ભાઈ-બહેનોને આ અતિપ્રિય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.’
હાલમાં કંગના રનૌત અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ‘જનરેશન ગટર’વાળી ટિપ્પણીને લઈને વિવાદ ઘણો વકર્યો હતો. બન્નેએ એકબીજાની ટીકા કરી હતી. આ દરમ્યાન બાબા રામદેવે ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ રક્ષાબંધનના અવસરે ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય કંગના રનૌતને ભેટ અને મીઠાઈ મોકલી રહ્યા છે. આ સાથે તેમણે સમાજમાંથી નફરત અને દુશ્મની ખતમ કરવાની અપીલ પણ કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે કોઈ પણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ અને તેઓ કંગનાને રક્ષાબંધનની શુભેચ્છા આપવા માટે ફોન કરશે.
આ મામલે કંગનાનું નિવેદન પણ સામે આવ્યું છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘તહેવારનો દિવસ બધું ભૂલીને ભૂલો માફ કરવાનો હોય છે. મારા મોટા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સારું કહ્યું કે વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈના પ્રેમ એમ બન્ને સ્વીકારું છું. ખૂબ-ખૂબ આભાર. ઈશ્વર તમને લાંબું આયુષ્ય આપે.’
ADVERTISEMENT
પહેલાં શું કહ્યું હતું બાબા રામદેવે?
તાજેતરમાં જ્યારે જંતરમંતર પર કૉક્રૉચ જનતા પાર્ટીની આગેવાનીમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં હતાં ત્યારે કંગના રનૌતે જેન-ઝીને ‘જનરેશન ગટર’ કહીને સંબોધ્યા હતા. આ અંગે બાબા રામદેવે કહ્યું હતું, ‘કંગનાનું ક્વૉલિફિકેશન શું છે? તેનું બાળપણ કેવું રહ્યું છે? તેની યુવાની કેવી રહી? તેનાં અગાઉનાં કારનામાં કેવાં રહ્યાં છે? હું આવા લોકો વિશે વાત કરવા માગતો નથી.’
બાબા રામદેવના નિવેદન પછી કંગનાએ આકરો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે બાબા રામદેવે તેની યુવાની અને બેડરૂમ વિશે ધોળા દિવસે સપનાં ન જોવાં જોઈએ.
