ટીઝરમાં કાર્તિક આર્યનને આવા લુકમાં ચમકાવતી અનુરાગ બાસુની ફિલ્મ ૨૦૨૫માં દિવાળી પર રિલીઝ થશે
કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે આ સિરીઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે.
ડિરેક્ટર મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ અને એની સીક્વલ ‘આશિકી 2’ બાદ હવે પ્રોડ્યુસર્સ ફરીથી એ જ જાદુ સિનેમાઘરોમાં લાવવાની તૈયારીમાં છે. આ વખતે કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે આ સિરીઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની જાહેરાત તો પહેલાં જ થઈ ગઈ હતી, પરંતુ કાસ્ટિંગને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. પહેલાં આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી હતી, પણ પછી તેને આ પ્રોજેક્ટમાંથી બહાર કરીને શ્રીલીલાને સાઇન કરવામાં આવી છે.
હવે આ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર ટી-સિરીઝે આ ફિલ્મનું ઑફિશ્યલ ટીઝર રિલીઝ કર્યું છે. અનુરાગ બાસુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મના ટીઝરમાં કાર્તિક આર્યનને શ્રીલીલા સાથે રોમૅન્સ કરતા જોઈ શકાય છે. આ ટીઝરમાં કાર્તિકનો ઇન્ટેન્સ લુક છે. એમાં તે લાંબા વાળ અને દાઢી, મોંમાં સિગારેટ તેમ જ હાથમાં ગિટાર સાથે ‘તૂ મેરી ઝિંદગી હૈ’ ગીત ગાતો દેખાય છે. ટીઝરમાં કાર્તિક અને શ્રીલીલાની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. આ ફિલ્મ ૨૦૨૫માં દિવાળી પર રિલીઝ થશે.
ADVERTISEMENT
આ ફિલ્મનું નામ આશિકી 3 નહીં રાખી શકાય, કારણ કે...
પહેલાં કાર્તિક આર્યનની ‘આશિકી’ સિરીઝની આ ફિલ્મ ‘આશિકી 3’ તરીકે ઓળખાતી હતી. જોકે હવે કાયદાકીય આંટીઘૂંટીને કારણે ફિલ્મને આ નામ નહીં આપી શકાય. હકીકતમાં ‘આશિકી 3’ ટી-સિરીઝના ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ મળીને પ્રોડ્યુસ કરવાના હતા.
મુકેશ ભટ્ટે આ પહેલાં ‘આશિકી’ અને ‘આશિકી 2’ બનાવી હતી, પણ ૨૦૨૪માં ભૂષણ કુમારે જાહેરાત કરી હતી કે ‘આશિકી 3’ તે એકલા હાથે બનાવશે. આ પછી ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં મુકેશ ભટ્ટે આ નામના મામલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને દિલ્હી હાઈ કોર્ટે મુકેશ ભટ્ટની તરફેણમાં ચુકાદો આપીને ભૂષણ કુમારને ‘આશિકી 3’ નામનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી દીધી. આમ કાર્તિક આર્યન અને શ્રીલીલાને ચમકાવતી આ ફિલ્મ ‘આશિકી’ સિરીઝનો હિસ્સો હોવા છતાં એને ‘આશિકી 3’ નામ નહીં આપી શકાય.

