કિઆરા અડવાણીએ ‘ટૉક્સિક’ના શૂટિંગ વખતે તેનું સારી રીતે ધ્યાન રાખવા બદલ હીરો અને ડિરેક્ટર ગીતુ મોહનદાસનો આભાર માન્યો
કિઆરા અડવાણી
દીકરીની મમ્મી બની ગયેલી કિઆરા અડવાણી હાલ પોતાની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં ચેન્નઈમાં યોજાયેલી ફિલ્મની
પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમ્યાન કિઆરાએ પોતાની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી એક ઇમોશનલ યાદ શૅર કરી અને સહ-અભિનેતા યશ તેમ જ ડિરેક્ટર ગીતુ મોહનદાસનો દિલથી આભાર માન્યો. ‘ટૉક્સિક: અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ આજે વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં કિઆરા ‘નાદિયા’ નામના મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે.
આ ઇવેન્ટમાં કિઆરાએ જણાવ્યું હતું કે ‘જ્યારે મને મારી પ્રેગ્નન્સીની ખબર પડી ત્યારે પરિવાર બાદ સૌથી પહેલાં મેં આ ખુશખબર યશ અને ગીતુ મોહનદાસ સાથે શૅર કર્યા હતા. મેં વિચાર્યું હતું કે કદાચ તેઓ ફિલ્મ, શૂટિંગ અથવા લૉજિસ્ટિક્સ વિશે વિચારશે; પણ એવું કંઈ થયું જ નહીં. તેમની આંખોમાં આંસુ હતાં અને ચહેરા પર સ્મિત હતું. તેમણે મને અભિનંદન આપતાં કહ્યું હતું કે સેટ પર આવો, આરામથી રહો, મન થાય તે ખાઓ અને આપણે મળીને સૌથી શ્રેષ્ઠ ફિલ્મ બનાવીશું અને ખરેખર અમે એ જ કર્યું. યશ અને ગીતુની પ્રતિક્રિયાએ મારું દિલ જીતી લીધું. ઍક્ટર અને ડિરેક્ટર તરીકે તેઓ કેટલાં સંવેદનશીલ અને સારાં માણસ છે એનો અનુભવ મને એ ક્ષણે થયો હતો.’
