Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિવાદ બાદ ક્રિતી સૅનનની રક્ષાબંધનની જ્વેલરી ઍડ પાછી ખેંચાઈ, બ્રાન્ડે કરી સ્પષ્ટતા

વિવાદ બાદ ક્રિતી સૅનનની રક્ષાબંધનની જ્વેલરી ઍડ પાછી ખેંચાઈ, બ્રાન્ડે કરી સ્પષ્ટતા

Published : 26 August, 2026 01:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kriti Sanon Raksha Bandhan ad controversy: જ્વેલરી બ્રાન્ડ જીવાએ તેની જાહેરાતમાં અભિનેત્રી ક્રિતી સૅનનના આઉટફિટ અંગે થયેલા ભારે વિરોધ બાદ તેનું રક્ષાબંધન કેમ્પેઈન પાછું ખેંચી લીધું છે; સત્તાવાર નિવેદનમાં જણાવ્યો પોતાનો પક્ષ

રક્ષાબંધનની જ્વેલરી ઍડમાં ક્રિતી સૅનન

રક્ષાબંધનની જ્વેલરી ઍડમાં ક્રિતી સૅનન


જ્વેલરી બ્રાન્ડ `જીવા` (GIVA) એ બોલિવૂડ (Bollywood) અભિનેત્રી ક્રિતી સૅનન (Kriti Sanon)ને ફીચર કરતી તેની રક્ષાબંધન (Raksha Bandhan 20260 સ્પેશિયલ કોમર્શિયલ જાહેરાતમાં ક્રિતીના આઉટફિટ (કપડાં) અંગે સોશિયલ મીડિયા પર થયેલા ભારે વિરોધ બાદ તેને સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. તહેવારના કપડાં અને સાંસ્કૃતિક યોગ્યતા અંગે વાયરલ થયેલી આ ચર્ચા અને વિવાદ ત્યારે વધુ વધી ગયો જ્યારે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)એ પણ આ કેમ્પેઈનની ટીકા કરી. બુધવાર, ૨૬ ઓગસ્ટે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, બ્રાન્ડે પુષ્ટિ કરી હતી કે જાહેર જનતાની ભાવોનાઓનું સન્માન કરીને આ જાહેરાતને તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવી છે.

બ્રાન્ડે જાહેર નિવેદન બહાર પાડીને કેમ્પેઈન પાછું ખેંચ્યું



પોતાના સોશિયલ મીડિયા નિવેદનમાં જીવા બ્રાન્ડે ભારતીય પરંપરાઓ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા સ્પષ્ટતા (Kriti Sanon Raksha Bandhan ad controversy) કરી હતી કે, આ કેમ્પેઈન કૌટુંબિક સંબંધોની ઉજવણી કરવા અને પાલતુ પ્રાણીઓ સુધી તહેવારનો આનંદ પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું કે, ‘અમે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારો પ્રત્યે અત્યંત આદર અને ઊંડી આસ્થા ધરાવીએ છીએ. એક બ્રાન્ડ તરીકે, અમે હંમેશા સમગ્ર પરિવાર સાથે આ આનંદની ક્ષણો ઉજવવામાં વિશ્વાસ રાખીએ છીએ અને આ વખતે અમે અમારા પાલતુ પ્રાણીઓ સુધી આ પ્રેમ અને ઉજવણીને લંબાવવા માંગતા હતા.’


વધતી જતી ટીકાઓનો જવાબ આપતાં બ્રાન્ડે ઉમેર્યું, ‘જો અમારી તાજેતરની જાહેરાતથી અજાણતા સમાજના કેટલાક વર્ગોની લાગણીઓને દુભાઈ હોય, તો તે અમારો બિલકુલ હેતુ નહોતો. સન્માનપૂર્વક, અમે તમામ મીડિયા પરથી આ જાહેરાત પાછી ખેંચી લીધી છે.’

આઉટફિટ અને કંગનાની ટિપ્પણી બાદ વિવાદ વધ્યો


આ વિવાદ કમર્શિયલમાં ક્રિતી સૅનન દ્વારા પહેરવામાં આવેલા ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસની આસપાસ કેન્દ્રિત હતો, જેમાં બ્રાલેટ-સ્ટાઇલ ટોપ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટવાળો આઇવરી કલરનું આઉટફિટ સામેલ હતું. સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સના એક વર્ગે કપડાંની પસંદગી સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને પરંપરાગત તહેવાર માટે અયોગ્ય ગણાવ્યો હતો.

આ ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે ભાજપ (BJP)ના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી શેર કરીને જાહેરાતમાં કરવામાં આવેલી સ્ટાઇલની પસંદગી પર સવાલો ઉઠાવ્યા. લુકની ટીકા કરતા કંગનાએ પૂછ્યું કે, કોઈ વ્યક્તિ જેને તે ‘બિકીની/અંડરગાર્મેન્ટ્સ’ તરીકે વર્ણવે છે તે પહેરીને રાખડી કેમ બાંધશે? તેણે આ કોમર્શિયલને ‘ઇરાદાપૂર્વક ક્રીપી’ ગણાવ્યું હતું.

તહેવારના કપડાં અંગેની ટીકાઓ પર ક્રિતી સૅનનનો જવાબ

ઓનલાઈન વિવાદ બાદ, ક્રિતી સેનને પોતાના આલોચકોનું સીધું નામ લીધા વિના પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તહેવારની ઉજવણી અંગેના તેના વ્યક્તિગત દ્રષ્ટિકોણનો બચાવ કર્યો હતો. ક્રિતીએ દલીલ કરી હતી કે, તહેવારોનો સાચો સાર તમે કયા કપડાં પહેરો છો તેમાં નહીં પરંતુ પરંપરાઓ પ્રત્યે તમે જે ભાવનાઓ અને અર્થ રાખો છો તેમાં રહેલો છે.

ક્રિતીએ લખ્યું, ‘તહેવારોનો સાર તમે પહેરેલા કપડાંમાં નથી, તે તમે પરંપરાઓ માટે જે લાગણીઓ અને અર્થ ધરાવો છો તેમાં છે.’ તેણે નોંધ્યું કે તે અને તેની બહેન એકબીજાને રાખડી બાંધે છે અને તેમના પરિવારના પાલતુ પ્રાણીઓને પણ આ વિધિમાં સામેલ કરે છે. સામાજિક માન્યતાઓ સામે સવાલ ઉઠાવતા અભિનેત્રીએ ઉમેર્યું, ‘અમે મહિલાઓને શું પહેરવું તે કહેવાનું ક્યારે બંધ કરીશું?? સંસ્કૃતિ અને પરંપરાઓ તેના હૃદયમાં છે, તેની નેકલાઇનમાં નહીં!’ તેના જવાબ છતાં, ઓનલાઈન ચર્ચા ચાલુ રહી, જેના કારણે બ્રાન્ડે આખરે આ કમર્શિયલ જાહેરાત હટાવી દેવી પડી.

આ સમગ્ર ઘટનાક્રમ ફરી એકવાર એ સાબિત કરે છે કે બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં ફેશન અને પરંપરા વચ્ચેની રેખા ખૂબ જ નાજુક હોય છે. એક તરફ જ્યાં બ્રાન્ડ્સ આધુનિકતા અને સંવેદનાઓને સાથે લાવવાનો પ્રયાસ કરે છે, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ અને ટીકાઓ પળવારમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આવી ટ્રોલ્સ અને હેડલાઇન્સ વચ્ચે આગામી દિવસોમાં ક્રિતી સૅનન કે જીવા બ્રાન્ડ તરફથી કોઈ નવો વળાંક સામે આવે છે કે પછી આ મુદ્દો અહીં જ શાંત થાય છે!

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK