હાલમાં અભિનેત્રી ક્રિતી સૅનને તેની બહેન નૂપુર સૅનનનાં લગ્ન બાદ એક ખૂબ ભાવુક અને પ્રેમભર્યો સંદેશ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે, જે ચાહકોના દિલને સ્પર્શી ગયો છે.
અભિનેત્રી ક્રિતી સૅનને તેની બહેન નૂપુર સૅનનનાં લગ્ન
હાલમાં અભિનેત્રી ક્રિતી સૅનને તેની બહેન નૂપુર સૅનનનાં લગ્ન બાદ એક ખૂબ ભાવુક અને પ્રેમભર્યો સંદેશ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે, જે ચાહકોના દિલને સ્પર્શી ગયો છે. પોસ્ટમાં ક્રિતીએ લખ્યું હતું કે નૂપુરનાં લગ્ન થયાં છે એ વાત હજી સુધી મારા મનમાં પૂરેપૂરી રીતે ઊતરી નથી. ક્રિતીએ પોતાની લાગણીને શબ્દોમાં ઉતારતાં લખ્યું હતું, ‘જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે તને પહેલી વાર હાથમાં ઉપાડી હતી અને આજે તને અત્યાર સુધીની સૌથી સુંદર દુલ્હન તરીકે સજેલી જોઈ રહી છું. તને ખુશ, પ્રેમમાં અને જીવનના સૌથી સુંદર અધ્યાયની શરૂઆત કરતી જોઈને મારું દિલ ભરાઈ આવ્યું છે.’
ક્રિતીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે નૂપુરને મળેલો જીવનસાથી તેને સૌકોઈ કરતાં શ્રેષ્ઠ લાગ્યો અને તેઓ નૂપુર માટે આથી વધુ સારું કાંઈ માગતા પણ ન હોત. પોસ્ટમાં ક્રિતીએ પોતાના જીજાજી સ્ટેબિન બેન માટે પ્રેમભર્યા શબ્દો લખ્યા અને કહ્યું, ‘સ્ટેબિન છેલ્લાં પાંચ વર્ષથી મારા પરિવારનો ભાગ રહ્યો છે અને સમય સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. સ્ટેબુ, હું તને ખૂબ પ્રેમ કરું છું. આજે મને એક ભાઈ અને જીવનભરનો મિત્ર મળ્યો છે, જે હંમેશાં મારી સાથે રહેશે. તમે બન્નેએ સાથે જીવનની શરૂઆત કરતાં જે યાદો બનાવી છે એ અમૂલ્ય છે.’
પોસ્ટના અંતમાં ક્રિતીએ નૂપુરને પોતાની ‘જાન’ કહીને લખ્યું છે કે તે પોતાની બહેનને વિદાય નથી આપી રહી, પરંતુ પરિવારના નવા સભ્ય તરીકે સ્ટેબિનને સૅનન પરિવારમાં હૃદયપૂર્વક આવકાર આપે છે. ક્રિતીએ લખ્યું છે, ‘નૂપુર ભલે હવે માત્ર ૨૦ મિનિટ દૂર રહેશે અને વારંવાર ઘરે આવતી રહેશે છતાં ઘર તેના હાસ્ય વગર ખાલી-ખાલી લાગશે. જોકે હવે તે બે ઘરમાં ખુશી વહેંચશે એ વિચારથી હું ખૂબ ખુશ છું.’


