શોમૅન રાજ કપૂરની ૧૦૧મી જન્મજયંતીએ મહેશ ભટ્ટે કહ્યું કે રણબીર-આલિયાની દીકરીમાં પરદાદાની ઝલક દેખાય છે
રાહા કપૂર, રાજ કપૂર
ગઈ કાલે હિન્દી સિનેમાના શોમૅન તરીકે ઓળખાતા રાજ કપૂરની ૧૦૧મી જન્મજયંતી હતી. આ ખાસ અવસરે ફિલ્મમેકર મહેશ ભટ્ટે તેમને યાદ કરીને કહ્યું હતું કે દોહિત્રી રાહામાં તેમને રાજ કપૂરની ઝલક દેખાય છે.
પોતાની લાગણી વ્યક્ત કરતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘રાજ કપૂર આજે પણ મારા ઘર અને દિલમાં જીવંત છે. જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્ને શૂટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે રાહા અમારી પાસે ઘરે સમય વિતાવવા આવે છે. હું અને સોની તેની સાથે રમીએ છીએ. કપૂર પરિવારના જીવનની આ વહેતી ધારા શાંતિથી પેઢી દર પેઢી વહેતી આવી છે. રાજ કપૂરથી રિશી કપૂર સુધી અને તેમનાથી રણબીર કપૂર અને હવે અમારા ઘરમાં મારી દીકરીની બાંહોમાં રહેલી રાહા સુધી. હું જ્યારે રાહાની આંખોમાં જોઉં છું ત્યારે મને એમાં રાજ કપૂરની હાજરીનો અહેસાસ થાય છે. તેની આંખોમાં રાજ કપૂર છે. તેઓ મારી યાદોમાં જીવંત છે, મારા ઘરમાં જીવંત છે, એક એવા બાળકના હાસ્યમાં જીવંત છે જેને હજી તેના નામની જવાબદારીનો અર્થ ખબર નથી. રાજ કપૂર દુનિયાભરના લાખો લોકોનાં દિલોમાં જીવંત છે.’


