મનોજ બાજપાઈએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે મારે માટે અવૉર્ડ-ફંક્શનનો વિચાર જ ખોટો છે
મનોજ બાજપાઈ
હાલમાં શાહરુખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ માટે નૅશનલ અવૉર્ડ જીત્યો છે. એ સમયે અનેક લોકોએ કમેન્ટ કરી હતી કે શાહરુખને બદલે મનોજ બાજપાઈને ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ માટે નૅશનલ અવૉર્ડ મળવો જોઈતો હતો. હવે આ ચર્ચા વિશે મનોજ બાજપાઈએ પ્રતિભાવ આપતાં કહ્યું છે કે ‘આ એક નકામી વાતચીત છે, કારણ કે આ વાત હવે સમાપ્ત થઈ ગઈ છે. હું આ બાબતની ચર્ચા નથી કરતો. આ ભૂતકાળની વાત છે અને એને આમ જ છોડી દેવી જોઈએ. હકીકતમાં નૅશનલ અવૉર્ડ્સ સહિત ઘણા પુરસ્કારો કમર્શિયલ આકર્ષણના ચક્કરમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. તેમણે ગંભીરતાથી વિચારવું જોઈએ કે તેઓ કઈ રીતે કામ કરી રહ્યા છે. દરેક સંસ્થાએ પોતાના વિશે વિચારવું પડે છે અને આ મારું કામ નથી. મને લાગે છે કે મારા માટે અવૉર્ડ-ફંક્શનનો વિચાર જ ખોટો છે.’
મનોજ બાજપાઈને અત્યાર સુધી ‘સત્યા’, ‘પિંજર’, ‘અલીગઢ’ અને ‘ભોસલે’ માટે ચાર વખત નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યા છે.

