99મા ઑસ્કર અવૉર્ડ્સની ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીની યાદીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ અને નાગાલૅન્ડના ફિલ્મમેકર થેજા રિયોની ફિલ્મ ‘અંઘ’ને સ્થાન મળ્યું છે. આ યાદીમાં કુલ 104 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઑસ્કર 2027ની રેસમાં ભારતની ગોંધળ અને અંઘ
આવતા વર્ષે ૧૪ માર્ચે લૉસ ઍન્જલસમાં યોજાનારા ૯૯મા ઑસ્કર સમારોહ માટે ઍકૅડૅમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિસે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ અને નાગાલૅન્ડના ફિલ્મમેકર થેજા રિયોની ફિલ્મ ‘અંઘ’ને સ્થાન મળ્યું છે. આ કૅટેગરીમાં કુલ ૧૦૪ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંતોષ દાવખરના ડિરેક્શનમાં બનેલી ‘ગોંધળ’ ઑસ્કર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે. બીજી તરફ ફિલ્મ ‘અંઘ’એ ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘પ્લૅટફૉર્મ’ અવૉર્ડ જીત્યો હતો. આ પુરસ્કાર જીત્યા બાદ એને પણ ઑસ્કરની રેસમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં સ્થાન મળવાનો અર્થ એ છે કે આ ફિલ્મો ઑસ્કરની આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કૅટેગરીમાં આગળ વધવા માટે પાત્ર બની છે. હવે એમની પાસે શૉર્ટલિસ્ટમાં સ્થાન મેળવવાની અને ત્યાર બાદ નૉમિનેશન સુધી પહોંચવાની તક રહેશે. શૉર્ટલિસ્ટ, નૉમિનેશન અને અંતે અવૉર્ડ જીતવાની પ્રક્રિયા દ્વારા આ ફિલ્મો આગળ વધી શકશે.
શું છે ‘ગોંધળ’ની વાર્તા?
ADVERTISEMENT
મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની વાર્તા મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની સમગ્ર વાર્તા રાત્રે યોજાતા એક લગ્નની આસપાસ ફરે છે. એમાં મધરાતે કરવામાં આવતી પરંપરાગત ગોંધળ વિધિ દર્શાવવામાં આવી છે. લગ્નમાં નિભાવવામાં આવતી આ પરંપરાગત વિધિ સાથે ગામની રાજનીતિ, જૂની માન્યતાઓ, છેતરપિંડી અને મહિલાઓની સ્થિતિ જેવા અનેક મુદ્દાઓ જોડાયેલા છે. ફિલ્મમાં ઈશિતા દેશમુખ, યોગેશ સોહોની અને કિશોર કદમ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત સંગીતકાર ઇલૈયારાજાએ આપ્યું છે.
શું છે ‘અંઘ’ની વાર્તા?
ફિલ્મ ‘અંઘ’ની વાર્તા ૧૯૬૦ના દાયકાના નાગાલૅન્ડ પર આધારિત છે. એ નાગાલૅન્ડના એક દૂરના ગામમાં રહેતા કોન્યાક આદિવાસી મુખી અંગબા અને તેના પરિવારની કહાની છે. ફિલ્મમાં એક ગામના વૃદ્ધ મુખી અને તેના દીકરાના જીવનને દર્શાવવામાં આવ્યું છે. બદલાતા સમયની સાથે આ બન્ને પોતાની જૂની માન્યતાઓ અને જીવનશૈલીને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક અમેરિકન મિશનરીના આગમન બાદ ગામના લગભગ તમામ લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે. લોકો પશ્ચિમી પોશાક, અંગ્રેજી ભાષા અને આધુનિક શિક્ષણ તરફ વળે છે. આ સંજોગોમાં પણ ગામનો મુખી અંગબા ધર્મપરિવર્તન કરવાનો ઇનકાર કરે છે. તે પોતાના પૂર્વજોની સંસ્કૃતિ સાથે મજબૂતીથી જોડાયેલો રહે છે.
