પ્રિયંકા ચોપડા સાથે ભારતની મુલાકાત બાદ નિક જોનસે ટોરોન્ટોની ‘અદરક યૉર્કવિલ’ રેસ્ટોરાંમાં ભાઈ જો જોનસ અને મિત્રો સાથે ભારતીય વાનગીઓની મજા માણી. નિકે ભોજનનો વિડિયો પણ શૅર કર્યો હતો.
નિક જોનસ અને જો જોનસ
નિક જોનસે હાલમાં પ્રિયંકા ચોપડા અને દીકરી માલતી મારી સાથે ભારતની મુલાકાત લીધી હતી અને આ પછી તે સીધો કૅનેડા પહોંચી ગયો હતો અને અહીં તેણે ‘બૂટ્સ ઍન્ડ હાર્ટ્સ મ્યુઝિક ફેસ્ટિવલ’માં પર્ફોર્મ કર્યું હતું. અહીં તેણે પોતાના ભાઈ જો જોનસ અને મિત્રો સાથે કૅનેડાના ટૉરોન્ટોમાં આવેલી રેસ્ટોરાં ‘અદરક યૉર્કવિલ’માં ભારતીય ભોજનની મજા માણી હતી અને એનો વિડિયો પણ શૅર કર્યો હતો.
રેસ્ટોરાંએ પણ સોશ્યલ મીડિયા પર નિક અને જો જોનસે મગાવેલી વાનગીઓ વિશે માહિતી શૅર કરી હતી. રેસ્ટોરાંએ જણાવ્યું હતું કે નિક અને જો એના રેગ્યુલર મહેમાનો છે અને બન્નેએ રાની કચોરી, કાંદા ભજિયાં, રૉયલ પિસ્તા લૅમ્બ ચૉપ, મુર્ગ મખની અને પાપડ કી ટોકરી જેવી વાનગીઓનો ઑર્ડર આપ્યો હતો.
નિક જોનસને ભારતીય ભોજન માણતો જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા અને કમેન્ટ કરી રહ્યા છે કે નિક જીજુ હવે અડધા ઇન્ડિયન બની ગયા છે.
