અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર પરમાણુ યુદ્ધ અટકાવ્યું- કહ્યું કે લાખો લોકોના જીવ જેમાં જઈ શક્યા હોત એવો સંઘર્ષ ટાળવા માટે તેમની સાથે વેપાર ન કરવાની ચીમકી પણ આપી
ડોનલ્ડ ટ્રમ્પ
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતે શરૂ કરેલા ઑપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સામસામે સરહદી હુમલાઓ થયા હતા, પણ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો હતો. સોમવારે ફરી ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે મેં આ બન્ને દેશ વચ્ચેના સંભવિત પરમાણુ-યુદ્ધને અટકાવી દીધું હતું જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હોત. ડોનલ્ડ ટ્રમ્પે આ દાવો નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું એ પહેલાં કર્યો હતો.
ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે મારા પ્રશાસને ૧૦ મેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીમાં મધ્યસ્થી કરવામાં મદદ કરી હતી. આ મુદ્દે બોલતાં તેમણે વાઇટ હાઉસ ખાતે એક પ્રેસ-બ્રીફિંગમાં કહ્યું હતું કે ‘શનિવારે મારા પ્રશાસને તાત્કાલિક યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવામાં મદદ કરી હતી, મને લાગે છે કે પરમાણુ શસ્ત્રો ધરાવતા પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમી યુદ્ધવિરામ થયો છે. આની સાથે ખતરનાક સંઘર્ષનો અંત આવ્યો છે. મને જણાવતાં ખૂબ ગર્વ થાય છે કે ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ અને શક્તિશાળી હતું. તેઓ ખરેખર પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણપણે જાણવા અને સમજવાની શક્તિ, શાણપણ અને હિંમત ધરાવતા હતા. તેમણે અદ્ભુત સંકલ્પ અને હોશિયારી દર્શાવી હતી.’
ADVERTISEMENT
આ મુદ્દે ક્રેડિટ લેતાં ટ્રમ્પે આગળ જણાવ્યું હતું કે ‘આ મામલે અમે ઘણી મદદ કરી. આ માત્ર કૂટનીતિક રૂપથી નહીં, પણ વેપારના માધ્યમથી પણ અમે સમજાવ્યું હતું. અમે વેપારનો એક રણનીતિક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. મેં તેમને કહ્યું કે જો તમે લડાઈને રોકશો તો અમે વેપાર કરીશું, જો તમે આ બંધ નહીં કરો તો અમે કોઈ વેપાર કરવાના નથી. લોકોએ પહેલાં વેપારનો આ રીતે ઉપયોગ કર્યો નથી. યુદ્ધવિરામ અને તંગદિલી ઓછી કરાવવામાં અમેરિકાની ભૂમિકા નિર્ણાયક રહી હતી અને આ રાજનીતિક જીત વેપારના દબાણની નીતિથી સંભવ બની હતી.’

