એવિયેશન વિભાગે મુંબઈ ઍર ટ્રાફિક કન્ટ્રોલની પીઠ થાબડી
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૭થી ૧૦ મે દરમ્યાન ઍરસ્પેસનું ટેન્શન વધવાને લીધે અસંખ્ય ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી. આમાંની મોટા ભાગની ફ્લાઇટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) તરફ વાળવામાં આવતાં મુંબઈ ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) પર દરરોજની નિયમિત ૩૩૦ ફ્લાઇટ ઉપરાંત વધુ ૧૨૦ ફ્લાઇટનું સંચાલન કરવાની જવાબદારી આવી પડી હતી. આ જવાબદારી ATCએ કુશળતાપૂર્વક નિભાવી હોવાથી એવિયેશન વિભાગે એની પીઠ થાબડી છે. કટોકટીના સમયમાં મુંબઈના ઍરપોર્ટ પર દરરોજ ૪૫૦ ફ્લાઇટે ટેક-ઑફ અને લૅન્ડિંગ કર્યું હતું.
પાકિસ્તાને એની ઍરસ્પેસ બંધ કરી દીધા બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના આકાશમાં વિમાનોનો ટ્રાફિક જૅમ થયો હતો. જોકે મુંબઈ ATCએ વધારાની ૧૨૦ ફ્લાઇટનું યોગ્ય રીતે સંચાલન કરવાથી મુશ્કેલી ટળી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ તરફ ડાઇવર્ટ કરવામાં આવેલાં વિમાનોની અવરજવરને મૅનેજ કરવા માટે ATCમાં વધુ રડાર કન્ટ્રોલરને કામે લગાવવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
રાજ્ય કક્ષાના સિવિલ એવિયેશન મિનિસ્ટર મુરલીધર મોહોળે કહ્યું હતું કે મુંબઈ ATCએ દરરોજ ૪૦૦થી ૪૫૦ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. ખૂબ સરસ રીતે આ કામ પાર પાડવામાં આવ્યું હતું એટલે ઍરપોર્ટનું કામકાજ સરળતાથી ચાલી શક્યું હતું.

