પરિવારના સભ્યની આ વાત બાદ રાજપાલ યાદવે પરિસ્થિતિની સંવેદનશીલતા સમજી લીધી હતી. તેણે કોઈ દલીલ કે ચર્ચા કર્યા વિના તરત જ શાંતિથી ત્યાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું.
મુશ્તાક ખાનની પ્રાર્થનાસભામાંથી રાજપાલ યાદવને કાઢી મુકાયો?
‘ગદર’ અને ‘વેલકમ’ જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવનાર મુશ્તાક ખાનના નિધનથી સમગ્ર બૉલીવુડ શોકમાં છે. ૨૪ સપ્ટેમ્બરે કૅન્સર સામેની લાંબી લડાઈ બાદ તેમનું નિધન થયું હતું અને આ પછી ૩૦ સપ્ટેમ્બરે અંધેરી-વેસ્ટમાં આવેલી રાહેજા ક્લાસિક ક્લબમાં તેમના આત્માની શાંતિ માટે પરિવાર દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં પૂનમ ઢિલ્લોં, રાહુલ રૉય અને રાખી સાવંત સહિત ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. આ કલાકારોમાં રાજપાલ યાદવ પણ સામેલ હતો. જોકે પ્રાર્થનાસભા દરમ્યાન અચાનક કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી નહોતી. આ પ્રાર્થનાસભાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં રાજપાલ યાદવ અકળાઈને મુશ્તાક ખાનની પ્રાર્થનાસભામાંથી બહાર જતો જોવા મળે છે.
રિપોર્ટ પ્રમાણે રાજપાલ યાદવ દિવંગત મુશ્તાક ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભામાં પહોંચ્યો હતો. તેણે પરિવારના સભ્યો અને મુશ્તાક ખાનના પુત્રો સાથે પણ મુલાકાત કરી હતી. જોકે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જ્યારે તે બહાર નીકળવા લાગ્યો ત્યારે ત્યાં હાજર ફોટોગ્રાફર્સ અને કેટલાક ચાહકો માટે તે રોકાઈને તસવીરો ક્લિક કરાવવા લાગ્યો હતો. આટલેથી વાત અટકી નહોતી, શોકના આવા માહોલમાં રાજપાલ યાદવની આવા પ્રકારની હરકત દિવંગત મુશ્તાક ખાનના પરિવાર અને ત્યાં હાજર લોકોને પસંદ આવી નહોતી. શોકસભાની મર્યાદા ન જળવાતાં મુશ્તાક ખાનના પરિવારની એક મહિલાએ ગુસ્સામાં રાજપાલ યાદવને ટકોર કરી હતી કે ‘મારે તમને હમણાં બહાર મોકલવા પડશે. મેં તમને સમજાવ્યું, પણ તમે સમજી રહ્યા નથી. શું આ સેલ્ફી લેવાનો સમય છે?’
પરિવારના સભ્યની આ વાત બાદ રાજપાલ યાદવે પરિસ્થિતિની સંવેદનશીલતા સમજી લીધી હતી. તેણે કોઈ દલીલ કે ચર્ચા કર્યા વિના તરત જ શાંતિથી ત્યાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું.
