રાનીએ કહ્યું કે હું કિંગ ખાન પાસેથી એક પ્રોફેશનલ, એક માણસ અને એક ઍક્ટર તરીકે ઘણું શીખી છું
રાનીએ એક ઇન્ટરવ્યુમાં શાહરુખ સાથેની પોતાની મિત્રતા વિશે દિલ ખોલીને વાત કરી
શાહરુખ ખાન અને રાની મુખરજી વચ્ચે બહુ સારી મિત્રતા છે. બન્નેએ એકબીજા સાથે ‘કુછ કુછ હોતા હૈ’, ‘ચલતે ચલતે’ અને ‘પહેલી’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ગયા વર્ષે યોજાયેલા ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બન્નેને પોતાનો પહેલો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. તાજેતરમાં રાનીએ એક ઇન્ટરવ્યુમાં શાહરુખ સાથેની પોતાની મિત્રતા સહિત અનેક બાબતો પર ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે શાહરુખ અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળવાની ક્ષણ ખૂબ જ ખાસ અને પર્સનલ હતી. રાનીએ કહ્યું કે આ ક્ષણ તેમના વર્ષોજૂના સંબંધ અને સાથે કરેલા સંઘર્ષના પ્રતીક સમાન છે.
રાનીએ કરણ જોહર, સલમાન ખાન, કાજોલ અને શાહરુખ સાથેની પોતાની મિત્રતા વિશે પણ વાત કરીને કહ્યું હતું કે ‘શાહરુખ મારો આદર્શ છે અને તેની પાસેથી હું એક પ્રોફેશનલ, એક માણસ અને એક ઍક્ટર તરીકે ઘણું શીખી છું. મિત્રતામાં કોઈ લેવડદેવડ નથી હોતી. જેટલો પ્રેમ આપશો એટલો મળશે. મિત્રતા વિશ્વાસ, ઈમાનદારી અને ભાવનાત્મક સહારે ટકી રહે છે. મારી મિત્રતા આટલાં વર્ષો સુધી ટકી છે કારણ કે મેં ક્યારેય બદલામાં કાંઈ માગ્યું નથી; ફક્ત પ્રેમ, દયા અને વિશ્વાસ આપ્યો છે.’


