રશ્મિકા મંદાનાના આ નિવેદનને કારણે વિવાદ થતાં તેણે સ્પષ્ટતા કરવી પડી
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં પિરિયડ્સ દરમ્યાન મહિલાઓની સમસ્યાઓ વિશે વાત કરતાં નિવેદન આપ્યું હતું કે પુરુષોને પણ તેમના જીવનમાં ઓછામાં ઓછો એક વખત પિરિયડ્સની સમસ્યાનો અનુભવ થવો જોઈએ. જોકે રશ્મિકાના આ નિવેદન પછી વિવાદ સર્જાતાં તેને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
રશ્મિકા ઍક્ટર જગપતિ બાબુના ટૉક-શોમાં આવી હતી ત્યારે તેમણે રશ્મિકાને પૂછ્યું કે શું તને લાગે છે કે પુરુષોને પિરિયડ્સનો અનુભવ થવો જોઈએ? આ સવાલનો જવાબ આપતાં રશ્મિકાએ કહ્યું કે ‘હા, હું ઇચ્છું છું કે તેઓ ઓછામાં ઓછા એક વખત પિરિયડ્સનો અનુભવ કરે જેથી તેઓ આ સમય દરમ્યાન થતી પીડા અને આઘાત સમજી શકે. હૉર્મોનલ અસંતુલનને કારણે આ સમયે મહિલાઓને સમજાવી ન શકાય એવી લાગણીઓનો અનુભવ થાય છે અને પુરુષો પર આને સમજવા માટે દબાણ કરી શકાતું નથી, કારણ કે તેઓ ક્યારેય આ લાગણી સમજી શકશે નહીં. જો પુરુષોને ફક્ત એક વાર પિરિયડ્સ આવે તો તેઓ સમજી શકશે કે પિરિયડ્સનો દુખાવો કેવો હોય છે.’
ADVERTISEMENT
આ વાતચીત દરમ્યાન રશ્મિકાએ પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘મારા પિરિયડ્સ એટલા પીડાદાયક હોય છે કે હું એક વાર બેહોશ થઈ ગઈ હતી. મેં ઘણી બધી ટેસ્ટ કરાવી છે અને ડૉક્ટરોની સલાહ લીધી છે. દર મહિને હું વિચારતી રહું છું કે ભગવાન, તું મને આટલો ત્રાસ કેમ આપી રહ્યો છે?’
રશ્મિકાના નિવેદન પછી સોશ્યલ મીડિયામાં લોકોએ તેની સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આખરે આ મામલે રશ્મિકાએ સ્પષ્ટતા કરી હતી કે ‘મને આ કારણે જ શો કે ઇન્ટરવ્યુમાં જવાનો ડર લાગે છે. મેં જે કહ્યું એનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. લોકો ફક્ત એક જ લાઇન પર ધ્યાન આપે છે અને આખી વાત સમજતા જ નથી.’


