સૈફ અલી ખાને કહ્યું કે હવે તે નેગેટિવ રોલથી થોડા સમય માટે બ્રેક લઈને હીરોની ભૂમિકાઓ કરવા માગે છે. ‘હૈવાન’માં અંધ વ્યક્તિનું પાત્ર તેમના માટે પડકારજનક હતું અને તેને રિયલ બનાવવા ખાસ મહેનત કરી હોવાનું તેણે જણાવ્યું.
સૈફ અલી ખાન
છેલ્લા કેટલાક સમયથી ‘તાનાજી’માં ઉદયભાન, ‘આદિપુરુષ’માં લંકેશ અને ‘દેવરા 1’માં ભૈરવા જેવા નેગેટિવ રોલ કરીને ચર્ચામાં રહેનારો સૈફ અલી ખાન હવે થોડા સમય માટે આવા રોલમાંથી બ્રેક લેવા ઇચ્છે છે. પોતાના આ પ્લાનિંગ વિશે વાત કરતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘હું હમણાં નેગેટિવ રોલથી થોડો બ્રેક લેવા માગું છું. ત્યારે હું એક અભિનેતા તરીકે આવાં પાત્રોને એક્સપ્લોર કરવા માગતો હતો, પણ હવે થોડા સમય માટે હીરોની ભૂમિકાઓ જ કરવા માગીશ. મેં અત્યાર સુધી મોટા ભાગના જે રોલ કર્યા છે તેમના પ્રત્યે સહાનુભૂતિ થતી નથી. તેઓ કાં તો મજબૂત છે, કાં તો પ્રિવિલેજ્ડ છે અથવા નેગેટિવ છે એટલે તેમના માટે દુઃખ થતું નથી. ‘હૈવાન’ના મારા અંધ વ્યક્તિના આ પાત્ર માટે તમારા મનમાંથી આહ નીકળે છે જે મારા માટે ખૂબ અલગ અને નવી વાત હતી અને મેં આ જ ઇમોશનને પાત્રમાં ઉતાર્યું છે. જોકે અંધ વ્યક્તિની ભૂમિકા ભજવવી ખૂબ પડકારજનક હતી. ઉપરથી તે બાળકોને મ્યુઝિક, માર્શલ આર્ટ અને રેસલિંગ પણ શીખવે છે એટલે મને ચિંતા હતી કે પાત્ર નકલી ન લાગે. આ પાત્ર રિયલ લાગે એ માટે મેં વિશેષ મહેનત કરી છે.’
