‘વીરગતિ’માં જોવા મળેલી પૂજા ડડવાલ અત્યારે ચાલીમાં રહે છે અને ભારે આર્થિક તંગીનો સામનો કરી રહી છે
પૂજાની સ્થિતિની વિગતો પ્રકાશમાં આવતાં તેના હીરો સલમાન ખાનની સંસ્થા ‘બીઇંગ હ્યુમન’ મદદ માટે આગળ આવી
૧૯૯૫માં રિલીઝ થયેલી સલમાન ખાનની ‘વીરગતિ’માં તેની હિરોઇન તરીકે જોવા મળેલી પૂજા ડડવાલે આ જ ફિલ્મથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. જોકે હવે ખબર પડી છે કે સલમાનની મદદથી જ ટીબી જેવી બીમારીમાંથી સાજી થઈને પૂજા અત્યારે મુંબઈમાં ચાલીમાં રહે છે તેમ જ ઘરકામ કરીને અને ટિફિન બનાવીને પોતાનું જીવન પસાર કરી રહી છે.
પૂજાની પહેલી ફિલ્મ ‘વીરગતિ’ ફ્લૉપ જતાં તેની કરીઅરને ખાસ લાભ મળ્યો નહીં. ત્યાર બાદ પૂજાએ ટીવી-જગતમાં પ્રયત્ન કર્યો અને કેટલીક સિરિયલોમાં કામ કર્યું, છતાં સફળતા નહોતી મળી. ફિલ્મ અને ટીવીમાં સફળતા ન મળતાં પૂજાએ આ ક્ષેત્ર છોડી દીધું અને લગ્ન કરીને પતિ સાથે ગોવા જઈને વસી ગઈ. પૂજા તેના પતિ સાથે મળીને કસીનો ચલાવતી હતી પણ ૨૦૧૮માં તેને ટીબી થઈ જતાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને તેનું વજન પણ ઘણું ઘટી ગયું હતું. આ સંજોગોમાં તેનાં પતિ, સાસરિયાં અને પોતાના ઘરવાળાઓએ પણ તેને એકલી છોડી દીધી અને પૈસાની તંગીને કારણે યોગ્ય સારવાર પણ મળી નહોતી અને તેની હાલત દિવસે-દિવસે ખરાબ થતી ગઈ હતી.
પૂજાની સ્થિતિની વિગતો પ્રકાશમાં આવતાં તેના હીરો સલમાન ખાનની સંસ્થા ‘બીઇંગ હ્યુમન’ મદદ માટે આગળ આવી અને તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો. આ મદદને કારણે પૂજા ગંભીર બીમારીમાંથી તો સાજી થઈ ગઈ પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે તે મુંબઈમાં ચાલીમાં રહીને ઘરકામ કરીને તેમ જ ટિફિન બનાવીને પોતાનું જીવન ગુજારી રહી હોવાના રિપોર્ટ મળ્યા છે.
