હર્ષવર્ધન પછી સનમ તેરી કસમનાં ડિરેક્ટર્સ રાધિકા રાવ અને વિનય સપ્રુએ પણ ખોંખારો ખાઈને કહી દીધું
‘સનમ તેરી કસમ’નાં ડિરેક્ટર્સ રાધિકા રાવ અને વિનય સપ્રુ
‘સનમ તેરી કસમ’નાં ડિરેક્ટર્સ રાધિકા રાવ અને વિનય સપ્રુએ ભારતીય સશસ્ત્ર દળો અને ઑપરેશન સિંદૂર વિરુદ્ધ નિવેદનો આપનાર પાકિસ્તાની કલાકારોની આકરી ટીકા કરી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હવે કોઈ પણ ભારતીય પ્લૅટફૉર્મે પાકિસ્તાની કલાકારો સાથે જોડાવું ન જોઈએ. આ પહેલાં ફિલ્મના મુખ્ય અભિનેતા હર્ષવર્ધન રાણેએ કહ્યું હતું કે જો પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન સીક્વલનો ભાગ હશે તો તેઓ તે સીક્વલમાં કામ નહીં કરે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તનાવ વચ્ચે રાધિકા રાવ અને વિનય સપ્રુએ ભારતીય ફિલ્મ-ઉદ્યોગ દ્વારા પાકિસ્તાની કલાકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધને સમર્થન આપ્યું છે. પહલગામ અટૅકના વિરોધમાં ભારત સરકારના ઑપરેશન સિંદૂરની ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને માવરા હોકેન સહિતના ઘણા પાકિસ્તાની કલાકારોએ એની ટીકા કરી. માવરાએ તો ‘સનમ તેરી કસમ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેણે ઑપરેશન સિંદૂર વિરુદ્ધ નિવેદન આપતાં ભારે વિવાદ થયો હતો.
ADVERTISEMENT
પાકિસ્તાની કલાકારોના આ અભિગમની ટીકા કરતાં રાધિકા અને વિનયે કહ્યું કે ‘દાયકાઓથી સરહદપારના આતંકવાદને કારણે નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવવા પડે છે. આનાથી પણ વધુ નિરાશાજનક છે ભારતમાં કામ કરીને પ્રેમ, સન્માન અને તકો મેળવનાર પાકિસ્તાની કલાકારોની ચુપકીદી અથવા તો તેમનાં નિવેદનો. કોઈએ પાકિસ્તાની કલાકારો સાથે સહયોગ ન કરવો જોઈએ. અમે સરકારના નિર્ણય સાથે સંપૂર્ણ સહમત છીએ. કોઈ પણ ભારતીય પ્લૅટફૉર્મે તેમની સાથે જોડાવું ન જોઈએ. સૌથી મહત્ત્વનું આપણું રાષ્ટ્ર અને આપણા લોકોનું
કલ્યાણ છે.’
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ પણ પહલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવાના નિર્ણયને ફરીથી પુષ્ટિ આપી છે.

