ફિલ્મમાં ઐશ્વર્યાની મમ્મીનો રોલ ભજવનાર સ્મિતા જયકરે જણાવી અંદરની વાત
ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ સીન
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. એનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. લગભગ પચીસ વર્ષ પછી પણ લોકો એને યાદ કરે છે. આ ફિલ્મ આજે પણ એની સ્ટોરી, મ્યુઝિક અને શૂટિંગ દરમ્યાન સલમાન અને ઐશ્વર્યા વચ્ચેની રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાની માતાનો રોલ ભજવનાર સ્મિતા જયકરે એક ઇન્ટરવ્યુમાં ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ વખતે સલમાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોની વાત કરી છે.
સ્મિતા જયકરે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ દરમ્યાન સલમાન અને ઐશ્વર્યા પ્રેમમાં ગળાડૂબ હતાં, એનાથી ફિલ્મને ઘણો ફાયદો થયો. બન્નેની આંખોમાં પ્રેમ દેખાતો હતો. તેમના ચહેરા પર રોમૅન્સ પણ હતો. આ વાત ફિલ્મ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. સલમાન ખૂબ જ તોફાની હતો, પણ સાથે તે વિશાળ હૃદયનો પણ હતો. મેં સેટ પર ક્યારેય સલમાનને ગુસ્સે થતાં જોયો નથી. આપણે હંમેશાં બીજી વ્યક્તિનો પક્ષ જાણતા નથી અને સલમાન સાથે આવું જ થયું. ઐશ્વર્યાની વાત કરું તો તે મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. તે ખૂબ જ સરળ અને જમીન સાથે જોડાયેલી સ્ટાર હતી.’

