પદ્મશ્રી બરજોર પટેલનું ગઈ કાલે ૯૧ વર્ષની જૈફ વયે અવસાન થયું
થિયેટર બરજોર પટેલનો પહેલો પ્રેમ હતો
રાષ્ટ્રીય સ્તરે ચોથા સ્થાને આવતું સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવેલા અને પોતાના અંતિમ સમયમાં ઍક્ટિંગ પ્રત્યેનો લગાવ નહીં છોડી એ. આર. રહમાનના હોમ-પ્રોડક્શનમાં બનેલી ‘નાઇન્ટીનાઇન સૉન્ગ્સ’માં સ્ક્રીન પર દેખાયેલા, તો એ પહેલાં અક્ષયકુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘બ્રધર્સ’માં પણ જોવા મળેલા ખ્યાતનામ થિયેટર-પર્સનાલિટી બરજોર પટેલનું ગઈ કાલે ૯૧ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. બરજોર પટેલનાં પત્ની રુબી પટેલનું હજી હમણાં જ ૨૦૨૦માં અવસાન થયું હતું.
બરજોર પટેલ મૂળ મીડિયાનો જીવ. ઍડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને મીડિયા સ્ટ્રૅટેજીમાં તેઓ ધુરંધર, તેમની તોલે કોઈ ન આવે, છતાં કહેવું પડે કે થિયેટર તેમનો આત્મા હતો અને થિયેટર માટે તેઓ કંઈ પણ છોડવાને પૂરતા સમર્થ હતા.
નિવૃત્તિ પછી સામાન્ય રીતે માણસ શાંતિથી બેસે, પણ બરજોર પટેલ એવી માટીના નહોતા, ઉદ્યમ તેમના લોહીમાં હતો. પ૮ વર્ષની રિટાયરમેન્ટની ઉંમરે તેમણે દુબઈનું ખ્યાતનામ દૈનિક ‘ખલીજ ટાઇમ્સ’ જૉઇન કર્યું અને છેક ૨૦૦૯ સુધી તેઓ સિનિયર વાઇસ પ્રેસિડન્ટની પોઝિશન સાથે જોડાયેલા રહ્યા. પોતાની બે દસકાની આ જર્ની દરમ્યાન તેમણે દુબઈની મીડિયા ઇન્ડસ્ટ્રીને વર્લ્ડક્લાસ ટચ આપવાનું કામ કર્યું તો ‘ખલીજ ટાઇમ્સ’ને પણ અઢળક ઇન્ટરનૅશનલ અવૉર્ડ્સ જિતાડી આપ્યા.
કૉલેજના દિવસોમાં બરજોર પટેલે ક્રિકેટર બનવા માટે તનતોડ મહેનત કરી હતી, પણ એ સમયે કૉલેજની ટીમમાં એવા ધુરંધર પ્લેયરો હતા કે તેમનો ચાન્સ લાગતો નહીં એટલે તેમણે પોતાના બીજા નંબરના શોખ રંગભૂમિને પહેલા નંબર પર લીધો. એ સમયે પોતાને સ્ટેજ પર આવવા મળે એ માટે બરજોર પટેલે બે મહિના સુધી રાહ જોઈ હતી. આ બે મહિના દરમ્યાન તેઓ સતત અદી મર્ઝબાનના નાટકનાં રિહર્સલ્સમાં જતા અને એક ખૂણામાં બેસી રહેતા. બે મહિનાની આ ૬થી ૮ કલાકની નિયમિત તપશ્ચર્યા પછી તેમને એક રોલ મળ્યો, જેમાં તેમણે ૩૦ સેકન્ડ માટે સ્ટેજ પર આવવાનું હતું અને બે લાઇન બોલવાની હતી. પોતાના આ પહેલા સ્ટેજ એક્સ્પીરિયન્સ માટે બરજોર પટેલ ‘બૉટમ્સઅપ એક્સ્પીરિયન્સ’ શબ્દ વાપરતા.
આ જ શબ્દનો ઉપયોગ કરીને તેમણે પોતાના હોમ-પ્રોડક્શન બરજોર પટેલ પ્રોડક્શનમાં ‘બૉટમ્સ અપ સિરીઝ’ બનાવી, જેમાં તેમની સાથે જાણીતા ભરત દાભોલકર પણ જોડાયા. લાંબો સમય દુબઈમાં રહ્યા પછી બરજોર પટેલ પાછા ભારત આવ્યા અને તેમણે પોતાની ઍક્ટિંગ-કરીઅરને એક વાર ફરીથી લાઇમલાઇટમાં લાવી દીધી અને ૨૦૧૦ના પિરિયડમાં તેઓ ‘વોડાફોન-મૅન’ તરીકે જબરદસ્ત પૉપ્યુલર થયા હતા.
બરજોર પટેલ અને રુબી પટેલની દીકરી શેરનાઝ પટેલ પણ ઍક્ટિંગ-ફીલ્ડમાં આવી હતી તો દીકરા મર્ઝબાન પટેલે પહેલેથી જ મીડિયા ઇન્ડસ્ટ્રી પસંદ કરી છે.

