નીલમ કોઠારી કહે છે કે તેમના લિન્ક-અપની ચર્ચા ઊપજાવી કાઢવામાં આવી છે
નીલમ કોઠારી અને ગોવિંદા
ગોવિંદા અને નીલમ કોઠારીની ગણતરી બૉલીવુડની સુપરહિટ જોડી તરીકે થતી હતી. એક તબક્કે બન્ને વચ્ચે અફેર હોવાની પણ ચર્ચા હતી. હવે આ મુદ્દે નીલમે ખુદ પ્રતિક્રિયા આપી છે અને આવા તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગોવિંદા અને તેના વચ્ચે ક્યારેય કંઈ હતું જ નહીં.
આ મામલે નીલમે કહ્યું હતું કે ‘ગોવિંદાજી ખૂબ સારા માણસ છે. તેઓ અદ્ભુત વ્યક્તિ છે અને અમે સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે, પણ અમારા અફેરની વાત બિલકુલ સાચી નથી. અમારા વચ્ચે ક્યારેય કંઈ નહોતું. મને લાગે છે કે લિન્ક-અપ જ આ આખા વિવાદનું મૂળ કારણ હતું. એ સમયમાં કોઈ સ્પષ્ટતા આપતું નહોતું. મીડિયાને જે લાગતું હતું એ છાપી દેતા હતા. સાચું કહું તો અમે ત્યારે પ્રેસથી ડરતા હતા, કારણ કે તેમની કલમની તાકાત બધું નક્કી કરતી હતી. જો તમે કોઈ સાથે બે-ત્રણ ફિલ્મો પણ કરો તો માનવામાં આવતું કે તમારું અફેર છે.’
ADVERTISEMENT
નીલમને કારણે શરૂ થઈ હતી શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી

હિન્દી સિનેમામાં ૮૦ અને ૯૦ની હિટ ઍક્ટ્રેસ નીલમ કોઠારીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખુલાસો કર્યો છે કે શાહરુખ ખાન અને ગૌરીની આઇકૉનિક લવ સ્ટોરીમાં તેનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેના દાવા પ્રમાણે શાહરુખ અને ગૌરી તેની ફિલ્મ સાથે જોવા જતાં હતાં અને ત્યાંથી જ બન્ને વચ્ચે નિકટતા વધી હતી. નીલમે ‘ઇન્ડિયન આઇડલ’ની સ્પેશ્યલ ‘સીઝન ઑફ લવ’ સેલિબ્રેશનમાં કહ્યું છે કે ‘થોડા મહિના પહેલાં શાહરુખે મને તેની લવસ્ટોરી વિશે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે હું ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે શાહરુખ અને ગૌરી મારાં મોટાં ફૅન હતાં. આ કારણે બન્ને સાથે મળીને મારી ફિલ્મો જોવા જતાં. એ મુલાકાતો દરમ્યાન જ બન્ને નજીક આવ્યાં અને તેમની લવસ્ટોરી આગળ વધતી ગઈ. આમ શાહરુખ અને ગૌરી સાથે હોવાનું એક કારણ હું પણ છું.’


