લગ્નનાં ૨૦ વર્ષ પછી પત્નીને ખબર પડી પછી તેણે ડિટેક્ટિવની મદદ લઈને વાતની ખરાઈ કરાવી, ખબર પડી કે પતિ તો વર્ષોથી છેતરપિંડી કરી રહ્યો છે
તાન્યા પુરી
હાલમાં ફેમસ ડિટેક્ટિવ તાન્યા પુરીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડના સ્ટાર્સના અંગત જીવન વિશે ચોંકાવનારું રહસ્ય ખોલતાં કહ્યું હતું કે બૉલીવુડનો એક ટોચનો ઍક્ટર ઘણાં એક્સ્ટ્રા મૅરિટલ અફેર્સમાં સંડોવાયેલો છે. તાન્યાએ આપેલી માહિતી પ્રમાણે ઍક્ટરની પત્નીને પતિના આ અફેર્સ વિશે લગ્નનાં ૨૦ વર્ષ પછી ખબર પડી અને ત્યાર પછી તેણે ડિટેક્ટિવની મદદ લીધી.
આ સમગ્ર પ્રકરણ વિશે તાન્યા પુરીએ કહ્યું હતું કે ‘આ બૉલીવુડ ઍક્ટરની પત્નીના મૅનેજરે મારો સંપર્ક કર્યો હતો અને મને તેના પતિ પર નજર રાખવાનું કામ સોંપ્યું હતું. મારી તપાસ દરમ્યાન ખબર પડી કે ઍક્ટર તેની પત્ની સાથે ઘણાં વર્ષોથી છેતરપિંડી કરી રહ્યો છે અને બે બાળકોનો પિતા હોવા છતાં તેની અનેક યુવાન ઍક્ટ્રેસ સાથે રિલેશનશિપ હતી.’
આ ઍક્ટર વિશે વધારે માહિતી આપતાં તાન્યાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે બૉલીવુડમાં એક્સ્ટ્રા મૅરિટલ અફેર્સના ઘણા કેસ છે, પરંતુ લોકો એ વિશે વાત નથી કરતા. તેઓ પોતાની ઇમેજ આદર્શ બતાવવા માગે છે. હું એવા કપલની વાત કરી રહી છું જે ઉંમરમાં વધારે નથી અને તેમણે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં લગ્ન કર્યાં હતાં. તેમના સંબંધમાં પતિ ખુલ્લેઆમ છેતરપિંડી કરે છે અને અનેક યુવા અભિનેત્રીઓ સાથે સંબંધ રાખે છે. પત્નીને તેના પતિની બેવફાઈની જાણ હતી, પરંતુ તેણે ત્યારે જ પગલાં લીધાં જ્યારે એમાં બાળકો પણ સંકળાયાં. આ વાતની પત્ની અને બાળકોને ખબર છે. બાળકોને સારી રીતે ખબર છે કે તેમના પિતા શું કરે છે, પરંતુ કૅમેરા સામે તેઓ એક પર્ફેક્ટ કપલની જેમ વર્તે છે. પતિ થોડો દેસી છે જ્યારે તેના પ્રમાણમાં પત્ની ખૂબ શિક્ષિત છે. કૅમેરા સામે બન્ને એકબીજા સાથે ખૂબ સારાં દેખાય છે, પરંતુ પડદા પાછળ તે અભિનેતાના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રહ્યા છે.’
ADVERTISEMENT
આ મામલામાં પત્નીના વલણ વિશે તાન્યાએ કહ્યું હતું કે ‘પત્ની લાંબા સમય સુધી પતિની બેવફાઈને અવગણતી રહી, કારણ કે તે શારીરિક સંબંધ કરતાં ઇમોશનલ ઇન્ટિમસીને વધુ મહત્ત્વ આપતી હતી. તેણે લગ્નનાં લગભગ ૨૦ વર્ષ પછી પગલું લીધું. એ કપલ માટે લગ્નબાહ્ય શારીરિક સંબંધો મોટી સમસ્યા નહોતા, પરંતુ જ્યારે બાળકોને આની ખબર પડી ત્યારે પત્નીની ધીરજ ખૂટી ગઈ. તેના માટે કદાચ ઇમોશનલ ચીટિંગ એ ફિઝિકલ ચીટિંગ કરતાં વધુ મોટી વાત હતી.’


