ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલમાં ટ્વિન્કલે ફરી કર્યાં વિવાદાસ્પદ નિવેદન
ટ્વિન્કલ ખન્ના
ટ્વિન્કલ ખન્ના અને કાજોલ હાલમાં સાથે મળીને ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં આ શોમાં ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફારાહ ખાન અને અનન્યા પાંડે ગેસ્ટ તરીકે આવ્યાં હતાં. તેમની સાથે વાતચીતમાં ટ્વિન્કલ ‘મોટી ઉંમરના લોકો પોતાનાં અફેર્સ સારી રીતે છુપાવે છે’ જેવું નિવેદન કરીને ફરી ચર્ચામાં આવી છે.
આ શોના એક સેગમેન્ટમાં પ્રશ્ન પુછાયો હતો કે ‘શું મોટી ઉંમરના લોકો પોતાનાં અફેર્સ યુવા પેઢી કરતાં વધુ સારી રીતે છુપાવે છે?’ આ પ્રશ્નના જવાબમાં ફારાહ, અનન્યા અને ટ્વિન્કલે સહમતી વ્યક્ત કરી હતી, પરંતુ કાજોલે અસહમતી દર્શાવી હતી. આ જવાબમાં ટ્વિન્કલે કહ્યું હતું કે મોટી ઉંમરના લોકો વધુ અનુભવી હોય છે એથી તેઓ બાબતો છુપાવવા માટે વધુ સક્ષમ હોય છે. જોકે કાજોલે આ વાતનો વિરોધ કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે આજકાલના યંગસ્ટર્સ સોશ્યલ મીડિયા વચ્ચે પણ પોતાની વ્યક્તિગત બાબતો વધુ સારી રીતે છુપાવી લે છે.
ADVERTISEMENT
આ સેગમેન્ટમાં બીજો સવાલ કરવામાં આવ્યો હતો કે ‘શું આજકાલનાં બાળકો કપડાં બદલવા કરતાં વધુ ઝડપથી પોતાના પાર્ટનર બદલે છે?’ આ સવાલના જવાબમાં ટ્વિન્કલે ફરીથી પોતાનો સપોર્ટ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ સારી બાબત છે. અમારા સમયના લોકો ‘લોકો શું કહેશે?’ની ચિંતા કરતા, પણ આજકાલના યુવાનો પાસે એવો કોઈ બોજ નથી. જો કોઈ સંબંધ કામ ન કરે તો તેઓ સરળતાથી કહી દે છે, ‘આ નથી ચાલતો, ચાલો મૂવ ઑન કરીએ.’
ટ્વિન્કલે આ પહેલાં આ શોમાં જાહ્નવી કપૂર અને કરણ જોહરવાળા એપિસોડમાં એમ કહીને વિવાદ સરજ્યો હતો કે પતિનું ઇમોશનલ ચીટિંગ ન ચાલે, પણ તે શારીરિક વ્યભિચાર કરે તો ચલાવી લેવું જોઈએ અને એ વાતને રાત ગઈ બાત ગઈ એમ સમજીને ભૂલી જવી જોઈએ.


