આમ કહીને સેટ પરથી રજા લઈને ગયેલો ગોવિંદા ચાર દિવસ પછી શૂટિંગ પર પાછો આવ્યો હતો.
ગોવિંદા
અજિતના દીકરા અને બૉલીવુડ-ઍક્ટર શહઝાદ ખાને ‘બડે મિયાં છોટે મિયાં’માં ગોવિંદા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શહઝાદે શૂટિંગ વખતનો એક કિસ્સો જણાવ્યો હતો. શહઝાદે કહ્યું કે ‘અમે હૈદરાબાદમાં રામોજી ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહ્યા હતા. એક દિવસ ગોવિંદાએ ડિરેક્ટર ડેવિડ ધવનને કહ્યું કે તેની પત્ની ઍરપોર્ટ પર આવી છે અને હું તેને લેવા જાઉં છું. ગોવિંદાએ કહ્યું હતું કે હું પત્નીને લઈને હમણાં જ પાછો આવું છું. એ સાંભળીને ડેવિડે પરમિશન આપી દીધી હતી. જોકે ગોવિંદા પછી પાછો ન આવ્યો. સાંજે ડેવિડ ધવનને તેનો ફોન આવ્યો કે તે મુંબઈ જતો રહ્યો છે અને આવતી કાલે પાછો આવશે.’
જોકે ડેવિડ ધવનને ગોવિંદાની કામ કરવાની સ્ટાઇલની ખબર હતી એને કારણે તેમનું શૂટિંગ ક્યારેય અટકતું નહોતું. તેમણે ગોવિંદા સાથે ૧૫-૧૬ ફિલ્મો કરી છે. એ દિવસે પણ શૂટિંગ ન રોકાયું. ખાસ વાત તો એ છે કે ગોવિંદા બીજા દિવસે નહીં પણ ચાર દિવસ પછી શૂટિંગ માટે આવ્યો હતો.

