એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ડૉ. મયૂર વ્યાસને. ડૉ. મયૂર વ્યાસ, એક એવું નામ કે જેને કદાચ તમે ચહેરા પરથી નહીં ઓળખતા હોય, પણ તેમના અવાજથી ચોક્કસ ઓળખી શકો છો. આ પ્રખ્યાત વૉઇસ આર્ટિસ્ટે રજનીકાંત, રોબર્ટ ડાઉની જુનિયર, બ્રેડ પિટ અને ટૉમ હેંક્સ જેવા અનેક દિગ્ગજ કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ આ અવાજના જાદૂગર પોતાના દિવસનો આરંભ તો વિદ્યાર્થીઓને ભણાવતાં કરે છે, કારણ કે તેઓ એક પ્રૉફેસર પણ છે. ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં ડૉ. વ્યાસે તેમના કારકિર્દીના સંઘર્ષો, અવાજ પાછળની સર્જનાત્મકતા અને ભારતીય ડબિંગ ઉદ્યોગના ભવિષ્ય વિશે સ્પષ્ટપણે વાત કરી.
21 August, 2025 03:41 IST | Mumbai | Hetvi Karia