ઓજસ રાવલ સ્ટૅન્ડઅપ કૉમેડી, નાટકો, ઍક્ટિંગ, ટીવી, ડિજિટલ, ઍન્કરિંગ જેવાં જુદા-જુદા ક્ષેત્રમાં પોતાની પાંખો ફેલાવીને કાર્યરત છે. ભારત પાછા ફર્યા એ પહેલાં ૧૦ વર્ષ તેઓ અમેરિકામાં હતા.
ઓજસ રાવલ
કી હાઇલાઇટ્સ
- અંગ્રેજી માધ્યમમાં ભણેલા ઓજસને અમેરિકા ગયા પછી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે પ્રેમ થયો
- કેટલાંય જુદા-જુદા ફીલ્ડમાં સખત વ્યસ્ત કારકિર્દી ધરાવવાને લીધે લગ્ન નથી થયાં
- હજી સુધી ઓજસ રાવલનાં લગ્ન નથી થયાં એનો તેમને અફસોસ છે
૨૦૧૮માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમદાવાદ આવેલા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છતા હતા કે તેમને ભારતીય સંસ્કૃતિ સાથે અવગત કરાવે. એ માટે નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુની હાજરીમાં એક ભવ્ય કલ્ચરલ ઇવેન્ટ યોજવામાં આવી. આ ઇવેન્ટ માટે કોઈ એવી વ્યક્તિ જોઈતી હતી જે ભારતથી બહાર રહેતી, અલગ સભ્યતા ધરાવતી વ્યક્તિઓ સુધી આપણી સભ્યતાને સરળ રીતે સમજી શકાય એ રીતે પહોંચાડે. એ માટે માસ્ટર ઑફ સેરેમની તરીકે પસંદ કરવામાં આવ્યા ગુજરાતી ઍક્ટર ઓજસ રાવલને. આખી સેરેમની ઓજસે અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં પ્રસ્તુત કરી. છેલ્લે કાર્યક્રમ પતી ગયો ત્યારે ઓજસને નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો. એ ઘટના વિશે વાત કરતાં ઓજસ રાવલ કહે છે, ‘આ મારા જીવનનો યાદગાર પ્રસંગ છે. મોદીસાહેબ ખૂબ ખુશ હતા. તેમણે મારી પીઠ થાબડી અને કહ્યું કે પરદેશથી આવેલા આપણા મહેમાનોને સ્પર્શી જાય એ રીતે તેં વાત કરી એ ખૂબ ગમ્યું. આમ તો મોદીસાહેબ સામે હોય અને એ પણ તમારાં વખાણ કરી રહ્યા હોય તો સામે બધું ધૂંધળું દેખાવા લાગે, સમજ જ ન પડે કે આ શું થઈ રહ્યું છે. આજે એટલું જરૂર કહી શકું કે મારા માટે આ ક્ષણ ઘણી કીમતી હતી. એ પછી થોડા સમય પહેલાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ પણ એક કાર્યક્રમ રજૂ કર્યો. આ મહાનુભાવો સમક્ષ તમે વાત કરી શકો, ઊભા રહીને કશું પ્રસ્તુત કરી શકો એ એક લહાવો છે, જે મને મળ્યો એ બદલ હું ઘણો કૃતાર્થ છું.’
વૈવિધ્યસભર કરીઅર
ADVERTISEMENT
ઓજસ રાવલનું નામ પડે ત્યારે લોકો તેમને જુદી-જુદી રીતે ઓળખે છે. કોઈ માને છે કે તે એક સ્ટૅન્ડઅપ કૉમેડિયન છે તો કોઈ જાણે છે કે તે એક ગુજરાતી ઍક્ટર છે. કોઈ તેમને એક સફળ ઍન્કર તરીકે ઓળખે છે તો કોઈ તેમને એક નાટ્યકલાકાર તરીકે જુએ છે. ‘પોલમપોલ’ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ હતી. ‘કૉમેડી ફૅક્ટરી’ જ્યારે શરૂ થઈ ત્યારે એની કોર ટીમમાં એક ઓજસ રાવલ હતા. ‘કૉમેડી ફૅક્ટરી’માં હવે તેઓ નથી પરંતુ તેમણે ઘણા સ્ટૅન્ડઅપ કૉમેડી શોઝ કર્યા છે અને હજી પણ કરે જ છે. ‘સરસર સરલા’થી શરૂ થયેલી તેમની નાટકની જર્ની ઘણી સફળ રહી છે. ભાત-ભાતનાં નાટકો તેમણે કર્યાં છે. આ મહિને જ તેમના બહુચર્ચિત નાટક ‘નથુરામ ગોડસેએ મરવું જ પડશે’એ લોકોના મનમાં એક ધુરંધર કલાકાર તરીકેની ઓજસ રાવલની છબીને સ્પષ્ટ કરી હતી. એની સામે હાલમાં તેમનું હળવુંફૂલ કૉમેડી નાટક ‘આજે રોકડા ને ઉધાર કાલે’ પણ ચાલે છે. આ સાથે આ જ મહિનામાં ‘દાસ્તાનગોઈ’માં તેઓ એક વાર્તાકાર બની સ્ટેજ પરથી એક અનોખી શૈલીમાં વાર્તા સંભળાવતા નજરે ચડે છે તો ‘રાજાધિરાજ’ જેવા ભવ્ય શોમાં પહેલી વાર તેમણે સ્ટેજ પરથી લાઇવ ગીતો ગાયાં છે, ડાન્સ પણ કર્યો છે અને અભિનય તો ખરો જ. ઑગસ્ટ મહિનામાં જ તેમની ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ રિલીઝ થઈ, જે લોકોને ખાસી પસંદ આવી. આ મલ્ટિ-ટૅલન્ટ અને જુદી-જુદી દિશામાં અલગ-અલગ કામને કારણે જ તેમના મિત્ર અને જાણીતા અભિનેતા પ્રતીક ગાંધી તેમને ‘અત્ર-તત્ર-સર્વત્ર’નું બિરુદ આપે છે.
ભણવામાં હંમેશાં આગળ
ઍક્ટર, સ્ટૅન્ડઅપ કૉમેડિયન, ઍન્કર આ બધી તેમની જાણીતી ઓળખ છે પરંતુ આ જાણીતી વ્યક્તિ માટે એવી ઘણી બાબતો છે જેનાથી લોકો ઘણા અજાણ છે. તેમનું કાર્યક્ષેત્ર અને જીવન ખાસ્સું વિસ્તરેલું છે અને આ વિસ્તાર ભારતથી લઈને અમેરિકા સુધી પહોંચેલો છે. એ વિશે આજે જાણવાની કોશિશ કરીએ. ૪૦ વર્ષના ઓજસ રાવલ મુંબઈના દાદરમાં જન્મ્યા છે અને મોટા થયા છે. તેમના પપ્પા કાપડની દુકાન ચલાવતા અને મમ્મી ગૃહિણી હતાં. તેમને એક નાની બહેન છે. સ્કૂલોમાં ઇતર પ્રવૃત્તિઓમાં તેઓ ઘણા આગળ પડતા હતા. એકાંકી, નાટ્યસ્પર્ધાઓ, પઠનસ્પર્ધા, ગદ્ય-પદ્ય દરેકમાં ઓજસને રસ પણ એટલો અને દરેક સ્પર્ધામાં ઇનામ પણ જીતી લાવે, પરંતુ એનો અર્થ એ નહોતો કે તેમને ભણવામાં રસ નહોતો. એ વિશે વાત કરતાં ઓજસ કહે છે, ‘હું ખૂબ હોશિયાર હતો. ભણવામાં હંમેશાં આગળ રહેતો. માર્ક્સ સારા જ આવે. એટલે જેટલી સ્પર્ધાઓમાં રહેવું હોય તો પણ કોઈ ના ન પાડે. મારા શિક્ષકો મારો ઉત્સાહ ખૂબ વધારતા. તેમને કારણે હું ઘણું શીખ્યો.’
ચલો અમેરિકા
હોશિયાર વ્યક્તિઓની વિટંબણા એ છે કે તેઓ ફક્ત એક રસ્તો પસંદ નથી કરી શકતા, બધામાં જ તેઓ આગળ હોય છે એટલે કઈ દિશામાં જવું એ અઘરો નિર્ણય બની જતો હોય છે. ૧૭ વર્ષની ઉંમરે ઓજસને સ્કૉલરશિપ મળી ગઈ અને તેમણે આગળ ભણવા માટે યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લૉરિડામાં મેડિકલ સાયન્સમાં ઍડ્મિશન લીધું જેમાં માઇનર વિષય તરીકે એન્જિનિયરિંગ પણ હતું. એ વિશે જણાવતાં ઓજસ કહે છે, ‘મારું મોસાળ અમેરિકામાં પણ ત્યાં હું જે શહેરમાં રહેતો હતો ત્યાં કોઈ મારું પોતાનું નહોતું. ત્યાં હું ૧૦ વર્ષ રહ્યો. ભણ્યો તો ખરો જ, સાથે ભણાવ્યું પણ. એ જ યુનિવર્સિટીમાં મેં એક કોર્સ ડિઝાઇન કર્યો જે ભારતના કલ્ચર અને હિસ્ટરી પર હતો. આ કોર્સ મેં ત્યાં પ્રેઝન્ટ કર્યો તો યુનિવર્સિટીએ કહ્યું કે તમે જ એને ભણાવો. આ સિવાય હૉસ્ટેલમાં વૉર્ડન તરીકેનો કાર્યભાર પણ મેં ત્યાં સંભાળ્યો. એ પછી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અસોસિએશન જૉઇન કર્યું. હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલમાં જોડાયો. યુનિવર્સિટીમાં સેનેટર પણ બન્યો. મેડિસિન મેં પ્રૅક્ટિસ ન કર્યું, કારણ કે ભણતર પછી જીવન મને જુદી જ દિશામાં લઈ ગયેલું.’
માતૃભાષાનો મેળાપ
ઓજસ રાવલનું ભણતર અંગ્રેજી માધ્યમમાં થયું જ્યાં ગુજરાતી એક વિષય પણ નહોતો. એ પછી અમેરિકા ગયા ત્યાં આખો માહોલ અંગ્રેજીનો. તો પણ આટલું શુદ્ધ અને સારું ગુજરાતી તમને કેવી રીતે આવડે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ઓજસ કહે છે, ‘તમે કોઈ વસ્તુથી દૂર થાઓ ત્યારે તમને એ વધુ તમારી પાસે લાવે એવું જ મને માતૃભાષા સાથે થયું. હું ત્યાં ગયો ત્યારે ગુજરાતી ચોપડીઓ લઈ ગયેલો. એકલો પડતો ત્યારે એ મારો સાથ આપતી. એ સમયે યુટ્યુબ નવું-નવું આવેલું તો હું એના પર ગુજરાતી ગીતો સાંભળતો. ગીતો, ગઝલો, લોકસાહિત્ય માટે આપોઆપ રુચિ ડેવલપ થઈ અને હું એમાં ઊંડો ઊતરતો ગયો.’
તો શું હતું જે અમેરિકામાં વ્યસ્ત અને છવાઈ ગયેલા ઓજસને ભારત પાછું લઈ આવ્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં ઓજસ કહે છે, ‘હું અહીંથી ગયો ત્યારે મને ખબર જ હતી કે હું પાછો આવીશ જ. મારાં માતા-પિતાને હું તેમના ઘર અને તેમના મનગમતા શહેરથી દૂર કરી શકું એમ નહોતો. તેઓ ત્યાં આવત તો પણ ખુશ ન રહેત. એટલે તેમની સંભાળ રાખવા હું ભારત આવવાનો જ હતો. દર વર્ષે હું ભારત આવતો, પરંતુ ૨૦૧૨માં થયું એવું કે હું ભારત આવ્યો અને મને અચાનક જ ચાર પ્રોજેક્ટ મળી ગયા. ‘કૉમેડી ફૅક્ટરી’ શરૂ થઈ ગયું. મારા સ્કૂલના મિત્રોએ કહ્યું કે અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ, તું કરીશ? મેં હા પાડી દીધી અને એ ફિલ્મ હતી મારી પહેલી ફિલ્મ ‘પોલમપોલ’. એ સમયે મકરંદ દેશપાંડે પોતાનું નાટક ‘સર સર સરલા’નું ગુજરાતી રૂપાંતરણ કરવા માગતા હતા અને એમાં પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીને કાસ્ટ કરી ચૂક્યા હતા. પ્રતીક મને ‘કૉમેડી ફૅક્ટરી’ સમયથી ઓળખતો હતો એટલે તેણે મને કહ્યું કે ત્રીજું પાત્ર તું કર. એની જ સાથે એ વર્ષે વ્રજેશ હીરજી એક સિરિયલ બનાવી રહ્યા હતા જેનું નામ હતું ‘હીરજીની મરજી’. મને એમાં કામ મળી ગયું. એમાં હું લેખક તરીકે અને ઍક્ટર તરીકે કાર્યરત રહ્યો. આમ એકસાથે ચાર-પાંચ વસ્તુઓમાં ધ્યાન આપવાનું હતું એટલે હું અમેરિકા પાછો જઈ શકું એમ જ નહોતું. બીજું એ કે એક કામ બીજું કામ અપાવે એ નિયમ મુજબ સતત કામ મળતું ગયું. હું કરતો ગયો. એટલે ફરી અમેરિકા જવાની ઇચ્છા જ ન થઈ.’
જીવનસાથી જોઈએ છે
ઓજસ અમેરિકન કૉન્સ્યુલેટનો ગ્લોબલ ઍમ્બૅસૅડર છે. છેલ્લાં ૧૯ વર્ષોથી અમેરિકા જવાની ઇચ્છા ધરાવનારા વિદ્યાર્થીઓનું યોગ્ય માર્ગદર્શન કરવાનું કામ કરે છે. આ સિવાય ઍન્કરિંગ ઘણી જગ્યાએ કરે છે. શેમારુ પર તેમનો એક ટૉક-શો પણ છે. હવે લગ્નના શું પ્લાન છે એનો જવાબ આપતાં ઓજસ રાવલ કહે છે, ‘છોકરીની શોધ ચાલુ છે. મને લગ્ન કરવાં જ છે, પણ તકલીફ એ છે કે સતત કામને પ્રાથમિકતા આપવાને કારણે જીવનમાં લગ્ન કે પ્રેમ માટે કોઈ સમય ફાળવી શક્યો નથી. હું એક વર્કોહૉલિક વ્યક્તિ છું. સતત કામમાં વ્યસ્ત રહેવું મને ગમે છે, પણ હું સમજું છું કે લગ્ન અને જીવનસાથી પણ એટલી જ મહત્ત્વની જરૂરિયાત છે. એટલે હવે મારું પૂરું ધ્યાન હું આ બાબતને આપી રહ્યો છું. યોગ્ય જીવનસાથીની તલાશમાં છું. તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો. બાકી જ્યોતિષીએ ભાખ્યું છે કે મારા જીવનમાં ખૂબ સારી ધર્મપત્ની છે. એટલે હું તો ફક્ત રાહ જોઈ રહ્યો છું.’
જલદી ફાઇવ
અફસોસ - વર્કોહૉલિક સ્વભાવને કારણે અંગત જીવનનો ભોગ આપવો પડે છે એ અફસોસ છે મને. સ્વજનો માટે કે ખુદ માટે સમય કાઢી શકાતો નથી.
ડર કોનો લાગે? - સ્વજનોને ગુમાવી દેવાનો. આ જવાબ એક ટિપિકલ જવાબ લાગે પણ એ હકીકત છે. મને એનો ડર છે.
પ્રથમ પ્રેમ – કળા
પત્ની કેવી જોઈએ? - મને અને મારા કામને સમજી શકે એવી.
જીવનમંત્ર - જીવનમાં સતત કામ કરવું મારા માટે અત્યંત જરૂરી છે. મેં એવા દિવસો પણ જોયા છે જેમાં હું ૭૨ કલાક સતત શૂટ કરતો હોઉં. મારું કામ ઘણી દિશામાં ફેલાયેલું છે. એને હું હજી વિસ્તાર દેવા માગું છું.

