‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ ૨૦૦૮ની ૬ નવેમ્બરે પ્રસારિત થયો હતો
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની પહેલી સીઝનનો છેલ્લો એપિસોડ ૨૦૦૮ની ૬ નવેમ્બરે પ્રસારિત થયો હતો. આ છેલ્લા એપિસોડમાં અંબા વીરાણી એટલે કે બાની વસિયત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શોમાં બાનું નિધન થઈ જાય છે અને ત્યાર બાદ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. ખરેખર બાની વસિયત પર કોનો અધિકાર હશે એના પર સસ્પેન્સ બતાવવામાં આવે છે. એ દરમ્યાન તુલસીને એક ધમકીભર્યો પત્ર મળે છે જેમાં લખેલું હોય છે કે જો સંપૂર્ણ સંપત્તિ તુલસીના પૌત્ર પાર્થના નામે કરવામાં નહીં આવે તો પાર્થને મારી નાખવામાં આવશે. શોમાં પાર્થને કરણ અને નંદિનીના પુત્ર તરીકે બતાવવામાં આવ્યો છે, જે નાનપણમાં ખોવાઈ ગયો હતો. તુલસી એ પત્ર જોઈને હેરાન થઈ જાય છે અને પોતાના પૌત્રને શોધવા નીકળી પડે છે. એ દરમ્યાન તુલસીની મિત્ર પાર્વતી અગ્રવાલ તેને જણાવે છે કે તેણે જ પાર્થ નામના બાળકનો ઉછેર્યો છે અને પત્ર પણ તેણે જ મોકલ્યો હતો. તુલસી આ ખુલાસા બાદ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આની સાથે જ એપિસોડને સમાપ્ત કરી દેવામાં આવે છે.

