ક્રિષ્ના અભિષેકે પોતાના નામ વિશેની એક રસપ્રદ વાત ‘કૌન બનેગા કરોડપતિ’ના કૉમેડી સ્પેશ્યલ એપિસોડમા શૅર કરી
‘કૌન બનેગા કરોડપતિ’ના કૉમેડી સ્પેશ્યલ એપિસોડમાં ક્રિષ્ના અભિષેક
વિખ્યાત કૉમેડિયન ક્રિષ્ના અભિષેકે પોતાના નામ વિશેની એક રસપ્રદ વાત શૅર કરી છે. તેણે તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના કૉમેડી સ્પેશ્યલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું જેમાં તેણે પોતાના નામ વિશે અમિતાભ બચ્ચન સાથે વાત કરી હતી. બિગ બીને ક્રિષ્ના અભિષેકે કહ્યું કે તેણે પોતાનું નામ અભિષેકમાંથી ક્રિષ્ના અભિષેક શા માટે કરી નાખ્યું.
આ એપિસોડમાં ક્રિષ્ના અભિષેક સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. પોતાના નામની વાત કરતાં ક્રિષ્ના અભિષેકે અમિતાભ બચ્ચનને કહ્યું, ‘મારા પેરન્ટ્સે તમારા દીકરા અભિષેક પરથી મારું નામ પાડ્યું હતું, કારણ કે તેઓ તમારા અને અભિષેકના મોટા ચાહક છે. જોકે જ્યારે હું ફિલ્મોમાં આવ્યો ત્યારે મારી પબ્લિક રિલેશન્સ ટીમે કહ્યું કે અભિષેક બચ્ચન ઑલરેડી મોટો સ્ટાર છે એટલે મારે નામ બદલવું જોઈએ. મારા પપ્પા મોટા કૃષ્ણભક્ત છે એટલે તેમણે મારું નવું નામ ક્રિષ્ના પાડી દીધું.’


