જીવનના ઘણા ઉતાર-ચડાવ પછી પણ શ્યામભાઈએ રંગમંચ પર અઢળક કામ કર્યું અને નૅશનલ સ્કૂલ આૅફ ડ્રામામાં ભણતાં-ભણતાં ભાગીને પ્રેમલગ્ન પણ કર્યાં
શ્યામ પાઠક
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલ તરીકે ઘરે-ઘરે જાણીતા બનેલા ઍક્ટર શ્યામ પાઠક ૧૯૯૩ની ૧૨ માર્ચે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં થયેલા બ્લાસ્ટના સાક્ષી રહ્યા છે જેમાં તેમના પિતા અસરગ્રસ્ત થયા હતા. આ બનાવે તેમના જીવનમાં ઘણી ઊંડી અસર કરી હતી. જીવનના ઘણા ઉતાર-ચડાવ પછી પણ શ્યામભાઈએ રંગમંચ પર અઢળક કામ કર્યું અને નૅશનલ સ્કૂલ આૅફ ડ્રામામાં ભણતાં-ભણતાં ભાગીને પ્રેમલગ્ન પણ કર્યાં
કોઈ એક બનાવ વ્યક્તિનું આખું જીવન પલટાવી શકે છે. ૧૯૯૩નો માર્ચ મહિનો હતો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલ બનીને છેલ્લાં ૧૭ વર્ષથી ઘરે-ઘરે જાણીતું પાત્ર બની ગયેલા શ્યામ પાઠક એ સમયે ૨૦-૨૧ વર્ષના CAની તૈયારી કરતા એક વિદ્યાર્થી હતા. મુંબઈના ફોર્ટ એરિયામાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પાસે એક ફર્મમાં તેમની આર્ટિકલશિપ ચાલી રહી હતી. ત્યાં નજીકમાં જ તેમના પિતાની પણ ઑફિસ હતી એટલે લંચટાઇમમાં બાપ-દીકરો બન્ને મળતા, સાથે જમતા અને ફરી કામે લાગી જતા. ૧૨ માર્ચનો એ દિવસ હતો. દરરોજની જેમ એક વાગી ને ૨૦ મિનિટે શ્યામ તેના પપ્પાની રાહ જોતો યુનિયન બૅન્કની હેડ ઑફિસ પાસે ઊભો હતો. ત્યાં એક જોરદાર અવાજ આવ્યો. કાળા ધુમાડાના ગોટેગોટા અને ચારે તરફ અફરાતફરી. શ્યામને બે ઘડી તો સમજાયું નહીં કે થયું શું? જરા રહીને લાગ્યું કે ક્યાંક કોઈ બ્લાસ્ટ થયો છે એટલે પપ્પાની ચિંતા થઈ આવી. તેણે આજુબાજુ જોયું પણ પપ્પા દેખાયા નહીં. તેણે જોયું કે BSEની બહાર જે સ્ટૉલ પર ફૉર્મ મળતાં એ બધાં ફૉર્મ હવામાં ઊડતાં હતાં અને આખો રસ્તો એ ફૉર્મથી ઢંકાઈ ગયો હતો. થોડી ક્ષણોમાં ઍમ્બ્યુલન્સના અવાજો શરૂ થઈ ગયા. ત્યાં પપ્પાની ઑફિસનો કોઈ માણસ દેખાયો. શ્યામને તેણે કહ્યું કે તેણે પપ્પાને જોયા એટલે શ્યામને લાગ્યું કે ચાલો, પપ્પા સલામત છે, મળી જશે. તે ઑફિસ પાછો ફર્યો અને ત્યાં થોડી મિનિટોમાં પપ્પાની ઑફિસનો પ્યુન દોડતો આવ્યો. શ્યામને કહ્યું કે તાત્કાલિક ચાલો, સાહેબ બોલાવે છે. શ્યામના પપ્પાના બૉસે શ્યામને કહ્યું કે પપ્પા બૉમ્બે હૉસ્પિટલમાં છે. ત્યાં જઈને જોયું તો પપ્પા એકદમ લોહીલુહાણ હાલતમાં હતા. તેમના શરીર પર કાચની અસંખ્ય કરચો હતી. તેમને તરત ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. તાત્કાલિક લોહીની જરૂર હતી એટલે ડૉક્ટરે શ્યામને લોહી કલેક્ટ કરવા દોડાવ્યો. હૉસ્પિટલ ઘાયલોથી ઊભરાવા લાગી. બૉમ્બે હૉસ્પિટલમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે એ બીકે પોલીસે સિક્યૉરિટીને કહ્યું કે કોઈને પણ અંદર આવવા દેવામાં ન આવે. મુંબઈમાં અલગ-અલગ ૧૨ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. શ્યામ હાથમાં લોહીની થેલી લઈને આક્રંદ કરી રહ્યો હતો કે તેને અંદર જવા દેવામાં આવે, તેના પપ્પાને લોહીની જરૂર છે. કોઈ ભલા માણસની મદદથી તે માંડ અંદર પહોંચ્યો. પપ્પાની સર્જરી થઈ ગઈ, પણ તેમનું ડાબી બાજુનું શરીર કંઈ ખાસ કામ કરી રહ્યું નહોતું. ૨૭ વર્ષથી તેઓ જે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા એ કંપનીએ બે મહિનાનો ઍડ્વાન્સ પગાર આપીને તેમને ઘરે બેસાડી દીધા. પોતાની નજર સામે જોયેલું ૪૦ દિવસનું પપ્પાનું હૉસ્પિટલાઇઝેશન, ઘાટકોપરની ચાલીમાં રહેતા પાઠક પરિવારમાં કમાતી અને ઘર ચલાવતી વ્યક્તિની નોકરી ગઈ એટલે અચાનક આવી પડેલી જવાબદારીઓ, માંડ-માંડ પૂરી થતી આજ અને આવનારી આવતી કાલની ચિંતાએ શ્યામને અતિ મૅચ્યોર બનાવી દીધો.
ADVERTISEMENT
શ્યામ પાઠકનો પરિવાર : હમ દો હમારે તીન.
થિયેટરની શરૂઆત
ઘરની સંપૂર્ણ જવાબદારી શ્યામ પાઠકના માથે આવી ગઈ. નોકરી કરવી જરૂરી હતી અને કમાવું પણ. એ હાદસા પછી તેમના પપ્પા ચારેક વર્ષ જીવ્યા અને કિડની-ફેલ્યરને કારણે અવસાન પામ્યા. મોટી બહેન પરણીને દુબઈ ગઈ. નાનપણમાં સ્વાધ્યાય પરિવારના બાળસંસ્કાર કેન્દ્રમાં શનિ-રવિ જનારા ૮ વર્ષના શ્યામને લાગલગાટ ૩ વર્ષ નાટકમાં લીડ રોલ મળ્યો હતો એટલે પ્રેક્ષકોની તાળીઓથી અભિભૂત થઈને આ કામનાં બીજ તો નાનપણમાં જ તેની અંદર રોપાઈ ગયાં હતાં. જોકે ઘરની પરિસ્થિતિ એવી હતી કે કમાવું અત્યંત જરૂરી થઈ પડ્યું હતું એટલે કૉલેજમાં ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપવાનો સમય જ નહોતો. ભણવાનું અને જૉબ બન્ને સાથે ચાલી રહ્યાં હતાં. જોકે જે બીજમાં તાકાત હોય એ અંકુરિત થયા વગર રહે ખરું? પોતાની અંદરથી ઍક્ટિંગના અંકુર કઈ રીતે ફૂટ્યા એ વિશે વાત કરતાં શ્યામભાઈ કહે છે, ‘એક વખત ફરતાં-ફરતાં નરીમાન પૉઇન્ટ પરના NCPAમાં પહોંચી ગયો. અંદર આંટો માર્યો તો ખબર પડી કે અહીં તો લાઇબ્રેરી છે. સોમથી શુક્ર જૉબ કરતો અને શનિવારે લાઇબ્રેરીમાં બેસીને નાટકો વિશે જેટલું વાંચી શકાય એટલું વાંચતો. ટિકિટ ખરીદવાના પૈસા નહોતા, પરંતુ કોઈ ડિરેક્ટર મળે તો તેને અરજ કરીને નાટક જોવા બેસી જતો. ત્યાં જ ખબર પડી કે નાદિરા બબ્બર એક થિયેટર ગ્રુપ ચલાવે છે જેનું નામ છે ‘એકજૂટ થિયેટર ગ્રુપ’. હું એમાં જોડાઈ ગયો અને બે વર્ષની અંદર એટલું કામ કર્યું કે ગ્રુપમાં પહેલા ચાર સદસ્યોમાં મારું નામ ગણાવા લાગ્યું.’
બૅરી જૉન પાસે શીખ્યા
અહીં કામ કરતાં-કરતાં શ્યામભાઈને શાહરુખ ખાન અને મનોજ બાજપાઈના ગુરુ ગણાતા બૅરી જૉન વિશે ખબર પડી. તેમને ત્યાં ઍક્ટિંગના કોર્સ ચાલતા હતા, પણ શ્યામ પાસે ફીના પૈસા તો હતા નહીં. એ દિવસો યાદ કરતાં શ્યામભાઈ કહે છે, ‘મેં બૅરીને પત્ર લખ્યો કે મારે તમારી પાસે શીખવું છે, પણ પૈસા નથી. ૧૫ જ દિવસમાં એનો જવાબ આવ્યો અને તેમણે ફી ઘટાડી દીધી. એ ઘટેલી ફી પણ મિત્રો પાસેથી અરેન્જ કરીને હું ૩ મહિના તેમની પાસે નોએડા શીખવા જતો રહ્યો. ત્યાં મેં તેમને કહ્યું કે હું નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં જવા માગું છું. બૅરીએ મને કહ્યું કે તું મુંબઈ જા અને કામ શરૂ કર. જોકે મને NSDનું ઘેલું લાગેલું. એની તૈયારી મેં બૅરી પાસે રહીને જ કરી. તેમની પર્સનલ લાઇબ્રેરી જે તેમને અતિ પ્રિય હતી એ તેમણે મારા માટે ખોલી દીધેલી.’
નૅશનલ સ્કૂલ આૅફ ડ્રામા
ફક્ત ૨૦ સીટ માટે દર વર્ષે વીસથી પચીસ હજાર લોકો NSDનું ફૉર્મ ભરે છે, જ્યાં ઍડ્મિશન લેવું એ લોકો માટે દિવાસ્વપ્ન સમાન બની જાય છે એ જગ્યાએ ડંકે કી ચોટ સાથે શ્યામ પાઠકને ઍડ્મિશન મળ્યું એ લાગણી દર્શાવતાં શ્યામભાઈ કહે છે, ‘જે જગ્યાએ દેશના બેસ્ટ કલાકારો ટ્રેઇન થયા હોય એ જગ્યાએ મને શીખવાની તક મળી રહી છે એ ઉપલબ્ધિ સર્વશ્રેષ્ઠ જ ગણાય. મને લાગ્યું કે એક સમયે મારા સાથીદારો કહેતા કે ગાંડો થઈ જશે આ છોકરો રંગમંચ પાછળ, ગજબ મહેનત જ કર્યા કરે છે તે. આ બધી મહેનત અને બધું ગાંડપણ NSDમાં જઈને રંગ લાવ્યું. અધૂરામાં પૂરું, મને મારી જીવનસાથી રેશમી પણ ત્યાં જ મળી. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હું ઍક્ટિંગમાં હતો અને તે ડિરેક્શન અને ડિઝાઇનિંગમાં હતી. અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં. અમે એકબીજાની સમજદારી, આવડત અને મહેનતના કદરદાન બનીને જીવ્યાં. રેશમીના પપ્પાને આ સંબંધ મંજૂર નહોતો અને હોય પણ ક્યાંથી, કારણ કે છોકરો કોઈ રીતે વેલ-સેટલ્ડ કહી શકાય એવો હતો નહીં. છેલ્લા વર્ષમાં અમે નક્કી કર્યું કે જો અહીંથી ઘરે જતાં રહ્યાં તો ફરી મળવાની શક્યતા રહેશે નહીં એટલે લગ્ન કરી લઈએ. આમ NSDમાંથી જાન નીકળી. નજીકના આર્ય સમાજ મંદિરમાં જઈને અમે લગ્ન કર્યાં. લગ્ન પછી તરત અમે બન્ને દુબઈ ગયાં, કારણ કે મમ્મી એ સમયે બહેન પાસે દુબઈ જ હતી. મારી મોટી બહેન મારી ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ રહી છે જીવનભર. તેણે ત્યાં એક રિસેપ્શન આપ્યું. એ પછી રેશમીના ઘરના લોકો પણ માની ગયા અને તેમણે ત્યાં કેરલામાં પણ એક રિસેપ્શન જેવું રાખેલું.’
કામનું મહત્ત્વ
મુંબઈ આવ્યા પછી શ્યામભાઈ અને રેશમીએ રંગ સંસ્કૃતિના નામે એક થિયેટર ગ્રુપ શરૂ કર્યું. છેલ્લાં ૨૫-૩૦ વર્ષની કરીઅરમાં શ્યામભાઈએ લગભગ પચાસથી પણ વધુ નાટકો કર્યાં છે. તેમનાં ત્રણ બાળકો છે ઃ ૧૯ વર્ષની નિયતિ, ૧૬ વર્ષનો પાર્થ અને ૧૦ વર્ષનો શિવમ. તેમનો ઉછેર સારો થઈ શકે એટલા માટે રેશમીએ પ્રોફેશનલ કામ કરવાનું
સ્વ-ઇચ્છાએ ટાળ્યું. જોકે ઘરની, પત્નીની અને બાળકોની જવાબદારી સારી રીતે નિભાવી શકાય એ માટે શ્યામભાઈએ સતત કામ કર્યું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એક સમયે NSDમાંથી બહાર આવતા લોકો ટીવી જેવા માધ્યમને સારું ગણતા નહીં અને અહીં કામ કરવું નથી એવું માનતા. રંગમંચ શ્રેષ્ઠ છે એની ના નહીં, પરંતુ જે બનાવે મને ધરમૂળથી બદલ્યો હતો અને જે જવાબદારીઓ નિભાવવાની સમજ મારી અંદર લાવી હતી એણે મને કહ્યું કે તને જે કામ મળી રહ્યું છે એને તું તારા ૧૦૦ ટકા આપીને પૂરું કર. મેં ઘણી ટીવી-સિરિયલોમાં કામ કર્યું. એક કામ મને બીજાં કામો અપાવતું ગયું. છેલ્લાં ૧૭ વર્ષથી હું ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ કરી રહ્યો છું. જ્યારે શરૂ કર્યું ત્યારે ક્યાં ખબર હતી કે આ આટલું ચાલશે? પ્રેક્ષકોનો પ્રેમ અમને આટલે આગળ લઈ આવ્યો.’
પૂરેપૂરો સંતોષ
આટલા કામ પછી તમને ક્યારેય એવું લાગે ખરું કે કશુંક રહી ગયું કે કોઈ વાતનો અફસોસ થાય ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્યામ પારેખ કહે છે, ‘હું જે દશા અને દિશામાં જીવતો હતો, જેમાં કંઈ ખાવું હોય તો પણ હિસાબ રાખવો પડતો કે દિવાળી સિવાય નવાં કપડાં ખરીદવાનો વિચાર પણ જ્યાં ખોટો માનવામાં આવતો ત્યાંથી લઈને આજે હું જ્યાં સુધી પહોંચ્યો છું એ જોઈને જો હું થોડો પણ અફસોસ કરું તો ભગવાનનો નિરાદર કર્યો કહેવાય. મને જે ફીલ્ડ ગમતું હતું, મારામાં જે ટૅલન્ટ હતી, મને જે પ્રકારનું કામ કરવું હતું એ હું કરી શક્યો, મારા બાળકોને કે પરિવારને યોગ્ય જીવન આપી શક્યો એ જ મારે મન સક્સેસ છે. જીવને મને જવાબદારી નિભાવતાં શીખવ્યું અને એ યોગ્ય રીતે શીખીને મેં નિભાવ્યું એનો મને પૂરેપૂરો સંતોષ છે.’
હું જે દશા અને દિશામાં જીવતો હતો, જેમાં કંઈ ખાવું હોય તો પણ હિસાબ રાખવો પડતો કે દિવાળી સિવાય નવાં કપડાં ખરીદવાનો વિચાર પણ જ્યાં ખોટો માનવામાં આવતો ત્યાંથી લઈને આજે હું જ્યાં સુધી પહોંચ્યો છું એ જોઈને જો હું થોડો પણ અફસોસ કરું તો ભગવાનનો નિરાદર કર્યો કહેવાય.
શ્યામ પાઠકનું સ્કૂલિંગ ઘાટકોપરની એમ. ડી. ભાટિયા ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલમાં થયું છે અને કૉલેજનો અભ્યાસ તેમણે કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં કર્યો છે.

