ફાસ્ટેસ્ટ એક હજાર રન બનાવવાના મામલે સચિન તેન્ડુલકરને પછાડ્યો
રજત પાટીદાર
શુક્રવારે પંજાબ કિંગ્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના કૅપ્ટન રજત પાટીદારે એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ બૉલમાં ૨૩ રન બનાવીને IPLમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. તે બૅન્ગલોર માટે એક હજાર રન કરનાર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ બાદ ત્રીજો ભારતીય બન્યો છે. IPLમાં ૩૫ પ્લસ ઍવરેજ અને ૧૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી એક હજાર રન પૂરા કરનાર તે પહેલો ભારતીય બન્યો છે. આ પહેલાં ડેવિડ મિલર, શિમરન હેટમાયર, હેન્રિક ક્લાસેન અને ટ્રૅવિસ હેડ જેવા વિદેશી પ્લેયર્સ જ આ કમાલ કરી શક્યા છે.
IPLમાં ફાસ્ટેસ્ટ એક હજાર રન કરનાર ભારતીય પ્લેયર્સમાં તે ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન (પચીસ ઇનિંગ્સ) બાદ ૩૦ ઇનિંગ્સના રેકૉર્ડ સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. તેણે આ લિસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુકર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડના ૩૧ ઇનિંગ્સના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે.

