Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > જીવાણુના સામ્રાજ્ય વચ્ચે અહિંસાની વાત ગેરવાજબી

જીવાણુના સામ્રાજ્ય વચ્ચે અહિંસાની વાત ગેરવાજબી

05 December, 2022 03:55 PM IST | Mumbai
Swami Satchidananda

તેમને એટલું જ કહેવાનું કે પાણીમાં રહેનારા અસંખ્ય જીવાણુઓને આ રીતે ઇચ્છા અને પ્રયત્નપૂર્વક મારી નાખવાના પાપથી મુક્ત થઈ શકાય નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ચપટી ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


જીવાણુઓના સામ્રાજ્યમાં આપણે જીવી રહ્યા છીએ એવા સમયે સૂક્ષ્મ જીવોની રક્ષાની વાતો આપણે કરતા રહીએ અને એ પ્રકારના અહિંસાના સિદ્ધાંતને વળગેલા રહીએ તો માનવસમાજ માટે નુકસાનકર્તા છે. આજના સમયમાં સૌથી નસીબદાર તે છે જેને ચોખ્ખી હવા તથા ચોખ્ખું પાણી મળે છે, પણ પાણીના અસંખ્ય જીવાણુઓની હત્યા થતી હોવાથી મહાપાપ લાગે છે એમ સમજીને કેટલાક ધાર્મિક દૃષ્ટિએ (વૈજ્ઞાનિક દૃષ્ટિએ નહીં) પાણીને ઉકાળીને પીએ છે. તેમને એટલું જ કહેવાનું કે પાણીમાં રહેનારા અસંખ્ય જીવાણુઓને આ રીતે ઇચ્છા અને પ્રયત્નપૂર્વક મારી નાખવાના પાપથી મુક્ત થઈ શકાય નહીં. એટલું જ નહીં, આમ કરવાથી સારા જીવાણુઓ પણ મરી જતા હોવાથી આવું પાણી લાંબા ગાળે આરોગ્ય માટે પણ નુકસાનકારક બને છે. 

એક મહત્ત્વનો મુદ્દો એ પણ સમજવાનો છે કે પાણી પીવાથી પાણીના બધા જંતુઓ પેટમાં જઈને મરી જતા નથી. અનેક જંતુઓ એવા છે જેમનામાં જુદી-જુદી પરિસ્થિતિમાં પણ જીવતા રહેવાની ક્ષમતા હોય છે અને આ હકીકત છે.



મેં અમેરિકાના જ્વાળામુખી પર્વતના લાવારસમાં પણ બૅક્ટેરિયાને જીવતા રહેતા અને જીવતા રહીને નવસર્જન પામતા જોયા છે. અમુક જીવાણુઓ ભયંકર ઉષ્ણતામાનમાં પણ જીવતા રહી શકે છે. એટલે જે જીવાણુઓ પેટમાં જઈને પણ મરવાના નહોતા એ બધા પાણી ઉકાળવાથી મરી ગયા હોય એવું ધારી લેવું એ અવૈજ્ઞાનિક વાત છે અને જીવનમાં દરેક તબક્કે શ્રદ્ધાને આગળ ધપાવવાને બદલે ક્યારેક તર્કબદ્ધ વિજ્ઞાનનો આધાર લેવો જોઈએ, જે માનવતાનું પગલું છે.


પાણી ઉકાળીને જીવાણુને મારવા એ તો પ્રયત્નપૂર્વક આચરેલી હિંસા જ કહેવાય. ઉકાળેલા પાણીમાં પણ અમુક સમય પછી નવા જીવાણુઓ ઉત્પન્ન થતા જ હોય છે. પાણી પીધા વિના તો રહી શકાય નહીં. 

હવે એ પાણી પીવામાં પણ હિંસા થતી હોય અને પાપ લાગતું હોય તો ખરા ધાર્મિક માણસોએ પાણી જ પીવાનું બંધ કરી દેવું જોઈએ. આમ કરવા જતાં મૃત્યુ નિશ્ચિત થાય. ભલે થાય, પણ પાપ તો ન લાગે. 


આવું ગણિત માંડનારો કોઈ ધાર્મિક માણસ આપણને જોવા મળ્યો નથી. સૌકોઈ આમ કે તેમ પાણી પીએ જ છે, પીવું જ પડે છે. જો આ જ વાજબી વ્યવહાર હોય અને જીવનની આવશ્યકતા હોય તો સૌકોઈએ સમજવું જોઈએ કે જૂની અને અધકચરી સાયન્ટિફિક વાતોનું પાલન કરવાને બદલે વાજબી રીતે વિજ્ઞાનને આગળ ધપાવવું જોઈએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 03:55 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK