ભણતરથી માંડીને સંબંધો અને પ્રોફેશનમાં સફળતા અપાવવામાં મદદરૂપ બને એવા એ રસ્તાઓ વિશે આજે વાત કરવાની છે.
પ્રતીકાત્મક તસવીર
સંબંધ હોય કે પછી પ્રોફેશન, ભણતર હોય કે બિઝનેસ; સક્સેસ દરેકને જોઈતી હોય છે. સરળતાથી સફળતા મળે એ માટેના કેટલાક રસ્તા વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે જેનો અમલ કરવો હિતાવહ છે
સવારે આંખ ખોલતાંની સાથે લોકો પોતપોતાના ક્ષેત્રમાં સફળતા માટે દોડતા થઈ જાય છે, પણ ઘણી વાર એ મળવામાં વાર લાગે છે તો ઘણી વાર એવું પણ બને છે કે સફળતા માટે બહુ મહેનત કરવી પડે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળે અને ધારી સફળતા મળે એ માટેના કેટલાક રસ્તાની વાત વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભણતરથી માંડીને સંબંધો અને પ્રોફેશનમાં સફળતા અપાવવામાં મદદરૂપ બને એવા એ રસ્તાઓ વિશે આજે વાત કરવાની છે.
ભણતરમાં સફળતા માટે
વ્યક્તિગત કે બાળકોને અભ્યાસમાં સફળતા મળે એ માટે વાસ્તુશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું છે કે ભણવાની જગ્યા પર કે રાઇટિંગ ટેબલ પર મોરપીંછ રાખવું જોઈએ. આ ઉપરાંત જે ભણતાં હોય એ બાળકોને નિયમિત કપૂરથી સ્નાન કરવાની આદત કેળવવી જોઈએ. કપૂર માત્ર નકારાત્મકતા કાપવાનું જ નહીં, સાથોસાથ આત્મવિશ્વાસ વધારવાનું કામ પણ કરે છે અને સફળતાની પહેલી આવશ્યકતા જો કોઈ હોય તો એ આત્મવિશ્વાસ છે.
અભ્યાસમાં સફળતા મેળવવા માટે મા સરસ્વતીની ઉપાસના પણ ખૂબ લાભદાયી છે. કળાના ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિએ પણ મા સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ, જેના માટે સફેદ વસ્ત્રોથી લઈને સફેદ રંગની નજીક રહેવું ઉપયોગી પુરવાર થાય છે.
સંબંધોમાં સફળતા માટે
હા, સંબંધોમાં પણ સફળતા મળવી બહુ જરૂરી છે. આજની ફાસ્ટ લાઇફમાં મોટા ભાગનાં ઘરોમાં એવું બને છે કે દામ્પત્યજીવનમાં ખટરાગ ચાલતો હોય અને કાં તો પરિવારના સભ્યો વચ્ચે નાનો-મોટો કંકાસ હોય. એવું ન બને અને પરિવારના બધા વચ્ચે મતભેદ દૂર થાય, લાગણી અને પ્રેમ વધે એ માટે પીવાનું પાણી રાખવામાં આવતું હોય એ માટલામાં ચાંદીનો સિક્કો મૂકવાથી વાણીમાં મીઠાશ ઉમેરાય છે અને સામેવાળાને સમજવાની ક્ષમતા કેળવાય છે. ચાંદીનો સિક્કો ઉમેરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી કે એ પંચધાતુનો નહીં પણ સંપૂર્ણ ચાંદીનો જ સિક્કો હોય.
જો એ ચાંદીના સિક્કામાં સરસ્વતી માતા કે પછી તેમનો બીજ મંત્ર હોય તો અતિ ઉત્તમ. એક વીક ચાંદીનો સિક્કો પાણીમાં રાખ્યા પછી એ સિક્કાને બરાબર સાફ કરવો અને પછી ફરી પાણીના માટલામાં એ મૂકી દેવો. આ જે પ્રક્રિયા છે એ વૉટર-ફિલ્ટર કે પાણીની બૉટલમાં કારગત નથી એ તમારી જાણ ખાતર.
બિઝનેસમાં સફળતા માટે
એના માટે તમારે ઘરની ઉત્તર દિશા પર નજર કરવી પડશે, જેના માટે તમારે કમ્પાસનો ઉપયોગ કરવો પડશે. કમ્પાસ હવે દરેક મોબાઇલમાં હોય છે અને જરૂર પડે તો એની ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. જો બિઝનેસમાં સફળતા જોઈતી હોય તો વ્યક્તિએ તેના ઘરની ઉત્તર દિશાને એકદમ સાફસૂથરી રાખવી જોઈએ. આ ઉત્તર દિશામાં રાખવામાં લક્ષ્મીજીનું સ્થાપન લાભદાયી પુરવાર થાય છે તો સાથોસાથ ઉત્તર દિશામાં શ્રીયંત્રનું પણ સ્થાપન કરી શકાય. ઉત્તર દિશા કુબેરની દિશા છે અને કુબેર ધનના દેવતા છે. ધન ત્યારે જ આવે જ્યારે બિઝનેસમાં પ્રગતિ દેખાતી હોય.
ઘરની ઉત્તર દિશામાં ક્યારેય કોઈ જાતની રદ્દી કે નકામી ચીજવસ્તુઓ મૂકવી નહીં કે વધારાનો સામાન પણ એ દિશામાં મૂકવો નહીં.
નોકરીમાં સફળતા માટે
જો તમે જૉબ કરતા હો અને પ્રમોશનની અપેક્ષા રાખતા હો કે બૉસની ગુડ બુકમાં રહીને તેમને ગમે એવું કામ કરવા માગતા હો પણ તમારી એ ઇચ્છા, એ અપેક્ષા મુજબનું તમને રિઝલ્ટ ન મળતું હોય તો તમારે તમારી નજર સામે દોડતા ઘોડાઓનું પેઇન્ટિંગ રાખવું જોઈએ. દોડતા સફેદ ઘોડાઓ સૂચવે છે કે પ્રગતિની દિશામાં આગળ વધવાનું છે. ઘોડાઓમાં પણ જો સાત ઘોડાનું પેઇન્ટિંગ મળે તો બેસ્ટ. અન્યથા ઑડ સંખ્યામાં ઘોડા હોય એવું પેઇન્ટિંગ રાખવું જોઈએ. ઑફિસમાં તમારા વર્કસ્ટેશન પર પણ આ પિક્ચર રાખી શકાય અને ઘરમાં પણ તમે નિયમિત બેસતા હો એ સ્થાનની સામે પણ આ પિક્ચર રાખી શકો. મોબાઇલમાં વૉલપેપર તરીકે પણ એ પ્રકારનું પેઇન્ટિંગ રાખી શકો છો. ટૂંકમાં, સતત આંખ સામે રહે એ મુજબ આ પિક્ચર રાખવું જોઈએ.
નોકરીમાં સફળતા અપાવવાનું કામ મંગળ-ચંદ્રના સહયોગથી થતું હોય છે. કામ કરવામાં મંગળ જેવા આક્રમક હો અને ટીમને લીડ કરવામાં કે પછી લીડરે સોંપેલા કામને સમજવામાં તમે ચંદ્ર જેટલા શાંત હો એ જરૂરી છે એટલે જૉબમાં સફળતા મેળવવા માગતી વ્યક્તિએ મસૂરની દાળ અને ચોખાનું સેવન વધારવું જોઈએ.

