આજે પણ દેશને બરબાદ કરી રહેલી કેટલીક બંધિયાર આદતોનું શું? હજીયે કેટલીય એવી બાબતો છે જેમાંથી આઝાદ થવાનું બાકી છે એ વિશે વાત કરે છે કેટલાક જાણીતા લોકો
કૈલાસ ખેર : સિંગર, દિવ્યાંકા ત્રિપાઠી, ઍક્ટ્રેસ, મુકેશ ખન્ના, ઍક્ટર, આતિશ કાપડિયા, લેખક
આજે આપણે ૭૯મો સ્વતંત્રતાદિવસ ઊજવી રહ્યા છીએ ત્યારે ભલે દેશને બ્રિટિશ રાજમાંથી મળેલી આઝાદીને આપણે સેલિબ્રેટ કરીએ, પરંતુ આજે પણ દેશને બરબાદ કરી રહેલી કેટલીક બંધિયાર આદતોનું શું? હજીયે કેટલીય એવી બાબતો છે જેમાંથી આઝાદ થવાનું બાકી છે એ વિશે વાત કરે છે કેટલાક જાણીતા લોકો
ADVERTISEMENT
સ્ત્રી પોતાની ઇચ્છા પ્રમાણે મુક્ત થઈને સુરક્ષિત ફીલ કરી શકે એ આઝાદી ક્યારે મળશે?
મારા માટે આઝાદી એટલે તમે તમારી પસંદગી પ્રમાણે આગળ વધી શકવાની મોકળાશ ધરાવતા હો. તમારી પંસદની કરીઅર, તમારી ઇચ્છા મુજબનું જીવન, તમારા જીવનસાથીની પસંદગી કરવાની છૂટ આ બધાં જ આઝાદીનાં લક્ષણો છે. તમે તમારા નિર્ણય લઈ શકો એ જ મારા માટે આઝાદી. જોકે ખરેખર આપણા દેશમાં દરેક બાબતમાં એ આઝાદી છે? જવાબ છે, ના. આજે પણ આપણે સમાજના જજમેન્ટની કસોટીમાંથી દરરોજ પસાર થવાની ગુલામીમાં છીએ. આજે પણ નિશ્ચિંત થઈને રાતે અગિયાર પછી ઘરની બહાર નીકળવાની આઝાદી નથી ભોગવી શકાતી. લોકો શું કહેશે એવું વિચાર્યા વિના ગરિમા સાથે મનની વાત કરી શકાય એવી આઝાદી ક્યાં છે? યસ, દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયો, પણ સામાજિક માનસિકતાના બોજમાંથી ક્યાં આઝાદી મળી છે? અફકોર્સ, પરિસ્થિતિ સુધરી રહી છે, બદલાઈ રહી છે અને પ્રોગ્રેસ ચાલુ છે પરંતુ સાચી આઝાદી ત્યારે આવશે જ્યારે જેન્ડરના ભેદ વિના સ્ત્રી અને પુરુષ મોકળાશથી જીવવા માટે સુરક્ષિત ફીલ કરશે. આજે પણ મહિલાઓએ સતત જજ થવાના, સુરક્ષિતતાનો ભંગ થવાના, હૅરૅસમેન્ટના અને કોઈ પણ ક્ષણે મુસીબતમાં મુકાઈ જવાના ભય તળે જીવવું પડે છે. એ દૂર થાય ત્યારે સાચી આઝાદી આવી ગણાશે.
દેશને દેશમાં જ રહીને નુકસાન પહોંચાડી રહેલા ગદ્દારોથી ક્યારે આઝાદી મળશે?
આજના પેરન્ટ્સ પોતાનાં સંતાનો માટે સ્કૂલ તો સારામાં સારી શોધે છે પણ તેમની પાસે બાળક માટે સમય નથી. બાળક તેમને હેરાન ન કરે એટલે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેતાં એ બેજવાબદાર મા-બાપની સભ્યતાના અભાવવાળી માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે? આજે પણ આપણા દેશમાં સામાન્ય સિવિક-સેન્સ, હાઇજીનને લગતી સામાન્ય બાબતો, બેઝિક એટિકેટ્સનો અભાવ છે. પોતાની જવાબદારી પ્રત્યે બેદરકાર જનતાના વ્યવહારમાંથી ક્યારે આઝાદી મળશે? બીજું, ઇતિહાસ સાક્ષી છે કે આ દેશને દેશના જ ગદ્દારોએ લૂંટ્યો છે. આ ગદ્દારોને જ કારણે આપણા દેશે હજારો વર્ષની ગુલામી ભોગવી છે. કેટલાય પરદેશીઓ આવીને દેશને પાયમાલ કરી ગયા. દેશને અંદરથી ઊધઈની જેમ ખાઈ રહેલા આ ગદ્દારો પાસેથી ક્યારે આઝાદી મળશે? આજે પણ દેશના મોટા ભાગના યુવાનો સારી નોકરીની શોધમાં છે. આપણા દેશને નોકરી કરતા લોકોની નહીં પણ નોકરીની તકો ઊભી કરી શકે એવા યુવાધનની વધારે જરૂર છે. આવડા મોટા દેશમાં નોકરિયાતોની સામે ઑન્ટ્રપ્રનરશિપની માનસિકતા ધરાવતા લોકોની વિશેષ જરૂર છે. એટલે આ નોકરી શોધવાની માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે? બીજી એક વાત કે ભારત દેશ અદ્ભુત મનીષીઓનો દેશ છે. અહીં સૌથી વધુ સંત, તીર્થો છે અને આધ્યાત્મિક ઉન્નતિ થઈ છે. આ દેશની ગરિમાને છોડીને બહારના દેશમાં જરાય માન-સન્માન ન મળતાં હોય, ત્યાં ઇજ્જત ન હોય છતાં માત્ર પૈસા કમાવા અન્ય દેશોમાં ધક્કા ખાતા, ભાગતા લોકોની આ માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે? જ્યાં તમને નાગરિક તરીકે એ દેશના લોકો સ્વીકારવા તૈયાર નથી ત્યાં તમે માથે પડીને રહો એ માનસિક ગુલામીમાંથી ક્યારે આઝાદી મળશે? આજે પણ કેટલાક રાજકારણીઓ પોતાના અંગત પૉલિટિકલ લાભ માટે જનતાના પૈસાનો હવન કરતા હોય છે. કરોડો રૂપિયા ખર્ચ થતા હોય છે પાર્લમેન્ટરી સેશન્સમાં અને ખોટી રીતે સંસદનાં સત્રોમાં વિઘ્ન નાખતા રાજકારણીઓથી ક્યારે આઝાદી મળશે?
અંગ્રેજીયતવાળી સજ્જડ માનસિકતામાંથી ક્યારે મળશે આઝાદી?
અંગ્રેજો ગયા પરંતુ આપણામાંથી ઘણા લોકો તેમના પ્રભાવમાંથી આઝાદ નથી થઈ શક્યા. આ જ કારણ છે કે અંગ્રેજોએ જે સ્વાતંત્ર્યસેનાનીઓને આતંકવાદી કહીને મોતને ઘાટ ઉતાર્યા તેમને આજે પણ આપણે શહીદનો દરજ્જો નથી આપી શક્યા. દેશને આઝાદી અપાવવા માટે જીવન આપનારાને પૂરતું સન્માન આપણે ન આપી શક્યા કારણ કે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીયતની ગુલામી માનસિક રીતે ચાલુ હતી. આજે પણ અંગ્રેજોએ દર્શાવેલી ન્યાયપ્રણાલી, શિક્ષણપ્રણાલીને આપણે વળગી રહ્યા છીએ. આજે પણ મહોદયને બદલે કોર્ટમાં જજને માય લૉર્ડ કહીએ છીએ અને આજે પણ શિક્ષણમાં બાળકોને અકબર, બાબર વિશેષ ભણાવાય છે પણ રાણી લક્ષ્મીબાઈના જીવનચરિત્રથી વંચિત રખાય છે કારણ કે અંગ્રેજીયતની ગુલામી આજે પણ ચાલુ છે. આજે પણ અંગ્રેજી નહીં બોલી શકનારાઓને દેહાતી ગણીને તેમની ઠેકડી ઉડાવાય છે અને આજે પણ વિદેશની વસ્તુને વધુ ગુણવત્તાયુક્ત માનીને વધુ પૈસા ચુકવાય છે કારણ કે અંગ્રેજીયતની ગુલામી અકબંધ છે. આપણને શુદ્ધ આહાર નથી મળતો, શુદ્ધ પાણી નથી મળતું. આપણા જ દેશમાં પશુઓની જેમ લોકો જીવે છે કારણ કે સિસ્ટમની ગુલામી ચાલુ છે. વિશ્વગુરુ તરીકે ઓળખાતા ભારતને ફરી વિશ્વગુરુ બનાવવું હશે તો ગુરુકુળ સિસ્ટમ લાવવી પડશે. પોતાની સંસ્કૃતિ અને પોતાની ભાષા પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન અને ગૌરવ જગાડવાં પડશે. એના માટે અંગ્રેજીયતની ગુલામીમાંથી બહાર આવવું પડશે. પ્રામાણિકતાને ફરી એક વાર જીવવી પડશે. આજે આપણે ઇન્ટરનેટની ગુલામીમાં અટવાયા છીએ. પહેલાં ગૂગલ અને હવે વિવિધ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આપણે ગુલામ થતા જઈએ છીએ. તમે કઈ આઝાદીની વાત કરો છો જ્યારે આજે પણ ફાર્મા, તમાકુ, આલ્કોહૉલ લૉબીની પકડમાં દેશ બરબાદ થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું હોય છતાં એના પર લગામ ન તાણી શકતી હોય?
ગમે ત્યાં કચરો ફેંકવાની વૃત્તિમાંથી મળશે આઝાદી?
અંગ્રેજોએ આપણને દેશ ચલાવવાની આઝાદી આપી પણ ધાર્યું હતું એટલી સારી રીતે આપણે ચલાવી નથી શક્યા કારણ કે આપણે આપણી ખરાબ આદતોના આજે પણ ગુલામ જ છીએ. આપણા પ્રાઇમ મિનિસ્ટર બોલી-બોલીને થાકી જાય છે પણ અહીં થૂંકવું નહીં એવું લખેલું હોય એવા બોર્ડ પર જ થૂંકવાની દુર્બુદ્ધિમાંથી આપણે ક્યારે આઝાદ થઈશું? અમારે ત્યાં કૉમ્પ્લેક્સમાં શેઠ આવે એ પહેલાં જ ડ્રાઇવરને ફોન કરીને ડ્રાઇવરને ગાડી કાઢવાનું કહી દે. પરિણામે કમ્પાઉન્ડમાં ઍટ અ ટાઇમ ચાર-પાંચ મોટી-મોટી ગાડીઓથી ગીચતા થઈ ગઈ હોય. રમતાં બાળકો, ટહેલતા વડીલોને પારવાર તકલીફ પડે પણ શેઠને પોતાની શેઠાઈ એટલે કે રાજા જેવી વૃત્તિ દેખાડવી જ હોય. આ ખોખલી શેઠગીરીમાંથી ક્યારે આઝાદી મળશે? માઉન્ટન પર ફરવા ગયા હો અને કોઈ જોતું ન હોય ત્યારે પ્લાસ્ટિકના કચરાનો ગાડીની બહાર ઘા કરતા લોકોની બેજવાબદારીભરી વૃત્તિમાંથી ક્યારે આઝાદી મળશે? મૉલમાં કોઈ ચમકીલાં કપડાં પહેરેલા લોઅર ઇન્કમના લોકો પ્રવેશે ત્યારે તેમની સાથે તુચ્છકાર સાથે વહેવાર કરતા વૉચમૅનની એ ક્લાસ-કૉન્શિયસ માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે જે પોતાના જ ઇન્કમ-ગ્રુપને સન્માન આપવામાં નાકામ સાબિત થાય છે? જીવનના દરેક પ્રસંગને સ્પર્ધાની જેમ ટ્રીટ કરતાં અને બાળકને એ સ્પર્ધામાં ધકેલી દેતાં મા-બાપની આ કમ્પેટિટિવ માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે જ્યાં મા-બાપ એ વિચારી શકે કે દુનિયાદારીમાં બાળક પર સામ-દામ-દંડ-ભેદ સાથે બર્ડન વધારી જ રહ્યાં છે. આજે પણ સિગ્નલ તોડીને પોતે જલદી નીકળી જવા માટે લવારી કરતા લોકોની નિષ્ફિકરાઈ સાથે થતા કાયદાભંગની માનસિકતામાંથી ક્યારે આઝાદી મળશે?

