ગૃહપ્રધાન વિશે મહુઆ મોઇત્રાનું વિવાદાસ્પદ નિવેદન : ઘૂસણખોરીના મુદ્દે પત્રકારો સાથે વાતચીતમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્યની જીભ લપસી
મહુઆ મોઇત્રા
તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશે વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં મોઇત્રાએ કહ્યું હતું કે ‘મારી પાસે તેમના (અમિત શાહ) માટે એક સ્પષ્ટ પ્રશ્ન છે. તેઓ ફક્ત ઘૂસણખોર... ઘૂસણખોર... ઘૂસણખોર કહી રહ્યા છે. આપણી સરહદનું રક્ષણ કરતી એજન્સી કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આવે છે. વડા પ્રધાને ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ઘૂસણખોરી થઈ રહી છે અને એને કારણે વસ્તીવિષયક સ્થિતિ બદલાઈ રહી છે. જ્યારે વડા પ્રધાન આ કહી રહ્યા હતા ત્યારે પહેલી હરોળમાં બેઠેલા ગૃહપ્રધાન તેમની વાત સાંભળીને હસતા હતા અને તાળીઓ પાડતા હતા. જો ભારતમાં સરહદોનું રક્ષણ કરવા માટે કોઈ નથી, જો બીજા દેશોના લોકો દરરોજ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને આપણી માતાઓ અને બહેનો પર નજર રાખી રહ્યા છે, આપણી જમીનો છીનવી રહ્યા છે તો પહેલાં તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ. જો ગૃહપ્રધાન અને ગૃહમંત્રાલય ભારતની સરહદોનું રક્ષણ કરી શકતાં નથી તો કોનો વાંક છે? અહીં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) છે તો પણ આપણે તેમના ડરમાં જીવીએ છીએ. બંગલાદેશ આપણો મિત્રદેશ રહ્યો છે, પરંતુ તમારા કારણે છેલ્લાં ઘણાં વર્ષોમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.’
આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોલીસ-સ્ટેશનમાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સ્થાનિક રહેવાસી સંદીપ મજુમદાર દ્વારા દાખલ કરવામાં આવી છે. મહુઆ મોઇત્રાએ હજી સુધી આ ફરિયાદનો કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી.

