માન્યતા છે કે સંતાનપ્રાપ્તિ ઇચ્છતા દંપતીએ એકસાથે આ કુંડમાં ડૂબકી લગાવવાની હોય છે અને એ વખતે હાથમાં કોઈ એક ફળ કે શાકભાજી રાખવાની હોય છે
સંતાનપ્રાપ્તિ માટે લોલાર્ક કુંડ
શુક્રવારે ભાદરવા સુદ છઠના દિવસે વારાણસીમાં આવેલા લોલાર્ક કુંડમાં સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. આ દિવસે કુંડમાં સ્નાન કરવાથી નિઃસંતાન દંપતીઓનો સૂનો ખોળો ભરાય છે એ માન્યતાને કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં ખાસ આ દિવસે દર્શન અને સ્નાન કરવા આવે છે. લોલાર્ક કુંડ વારાણસીનું સૌથી પવિત્ર તીર્થસ્થાન ગણાય છે. વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં જ સ્નાન કરવા મળે એ આશયથી ગુરુવાર રાતથી જ લોકો અહીં લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. ગઈ કાલે લોલાર્ક કુંડ જતી આઠેય ગલીઓ હકડેઠઠ ભક્તોથી ફુલ થઈ ચૂકી હતી.
માન્યતા છે કે સંતાનપ્રાપ્તિ ઇચ્છતા દંપતીએ એકસાથે આ કુંડમાં ડૂબકી લગાવવાની હોય છે અને એ વખતે હાથમાં કોઈ એક ફળ કે શાકભાજી રાખવાની હોય છે. સ્નાન કરીને એ ચીજ કુંડમાં અર્પણ કરવાની હોય છે. જે ચીજ દંપતીએ અર્પણ કરી હોય એની તેમને બાધા થઈ જાય છે. જ્યાં સુધી મનોકામના પૂરી ન થાય ત્યાં સુધી એ ચીજનો તેમણે ત્યાગ કરવાનો હોય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ફળો અને શાકભાજી કુંડમાં અર્પણ કરતાં દિવસમાં પાંચથી છ વાર સ્વયંસેવકોએ એમાંથી લાખો કિલો ફળ-શાક બહાર કાઢ્યાં હતાં. શુક્રવારે સાંજે છ વાગ્યા સુધીમાં ૩ લાખ લોકોએ કુંડમાં સ્નાન કરી લીધું હતું.

